સંદેશ: નવી
દિલ્હી: મંગળવાર, ૦૫ મે ૨૦૧૫.
આ વર્ષની શરૂઆતમાં
અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાની મહેમાનગતિ પાછળ કેટલો ખર્ચ થયો હતો તેની
માહિતીની માગણી કરી હતી. માહિતીના અધિકાર હેઠળ કરવામાં આવેલી અરજીનો જવાબ આપવાનો
વિદેશી બાબતોનાં મંત્રાલયે એવા મુદ્દા હેઠળ ઈનકાર કર્યો છે. મંત્રાયલનું કહેવું છે
કે આવી માહિતી સંવેદનશીલ અને તેની વિદેશી રાષ્ટ્ર સાથેના દ્વિપક્ષી સંબંધો પર અસર
થઈ શકે છે.
મુંબઈ સ્થિત આરટીઆઈ
કર્મશીલ અનિલ ગલ્ગલીએ વિદેશી બાબતોનાં મંત્રાલયમાં આ પ્રશ્ન નોંધાવીને ભારત સરકારે
ઓબામા અને તેમની સાથેના કાફલાની પાછળ કુલ કેટલો ખર્ચ કર્યો હતો તેની વિગતોની માગણી
કરી હતી. મહાનુભાવો તેમજ ઓબામાના સલામતી રક્ષકોને આપવામાં આવેલાં રહેઠાણ તેમજ
તેમની સલામતી વ્યવસ્થા અને તેને માટે ફરજ પર રાખવામાં આવેલા પોલીસકર્મીઓની
સંખ્યાની વિગતોની માગણી કરવામાં આવી હતી.
આ પ્રશ્નના પ્રતિભાવમાં
વિદેશ મંત્રાલયના ડેપ્યુટી ચીફ પ્રોટોકોલ ઓફિસર રોહિત રથીશે જણાવ્યું હતું કે દર
વર્ષે ભારતીય સરકાર કેટલાક દેશોના મહાનુભાવોના યજમાન બને છે અને દરેક મહાનુભાવને
દેશની મુલાકાતે આવનાર પ્રતિનિધિમંડળના પ્રકાર, મુલાકાતનો દોર, મહેમાનની મહેમાનગતિ
કેવી રીતે કરવામાં આવે છે તે મુલાકાતી ભારતનાં કેટલાં શહેરોની મુલાકાત અને બીજાં
પરિબળોને આધારે જુદા પાડવામાં આવે છે. "દરેક વિદેશી મહાનુભાવની મુલાકાત અનન્ય
હોય છે તેમ કહેવું ખોટું નહિ કહેવાય, આ સંજોગોમાં ભારત
સરકારે જુદા જુદા મહાનુભાવ માટે કરેલો ખર્ચ જુદો જુદો હોય છે અને સરકાર માટે આ
મુદ્દો સંવેદનશીલ છે. આ ઉપરાંત આવી માહિતી જાહેર કરવાથી વિદેશી રાષ્ટ્ર સાથેના
દ્વિપક્ષી સંબંધ પર નકારાત્મક અસર થઈ શકે છે," તેમ
જવાબમાં જણાવાયું હતું.