Sunday, September 25, 2011

ઇટલા ગામે વૃક્ષછેદન અને વેચાણની તપાસ થતી જ નથી.

DivyaBhaskar:Sunday,25 September 2011.
કલોલ તાલુકાના ઇટલા ગામે ૨૦૦૯ના વર્ષમાં વાવાઝોડાના પગલે પડી ગયેલાં ૨૦ જેટલાં વૃક્ષોની મનઘડંત રીતે હરાજી કરી નાખવા તથા અન્ય ૮ જેટલા ઝાડ મંજૂરી વિના કાપી નાખીને તેની પણ સરકારી નિયમો વિરુદ્ધ હરાજી કરી નાખીને ભ્રષ્ટાચાર આચરવા સંદર્ભે હાઇકોર્ટમાં કરાયેલી જાહેરહિતની અરજી બાદ પણ તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરાતી નથી.
વાવાઝોડામાં પડી ગયેલા અને ગેરકાયદે કાપી નખાયેલા કુલ ૩૦ જેટલાં વૃક્ષોના મામલે મામલતદારથી માંડીને જિલ્લા વિકાસ અધિકારી સુધી ગ્રામ પંચાયતના સભ્યો સહિત નાગરિકોએ ફરિયાદ કર્યા પછી કોઇ તપાસ નહીં થતા આ મામલે ગત નવેમ્બર ૨૦૦૯માં જાહેરહિતની અરજીના પગલે હાઇકોર્ટે ત્રણ મહિનામાં તપાસ કરી યોગ્ય નિર્ણય લેવા આદેશ કર્યો હતો. ત્યારે તત્કાલીન ડેપ્યુટી ડીડીઓ આર.કે.રાજને ઇટલા ગામે કેમ્પ કરીને તપાસ કરી રિપોર્ટ કર્યા પછી માર્ચ-૨૦૧૦માં ડીડીઓએ સુનાવણી રાખી હતી અને તેના અંતે સરપંચને ખોટી હરાજી કરવા તેમજ સૌરાષ્ટ્ર વૃક્ષછેદન ધારા હેઠળ નોટિસ આપી હતી પરંતુ માગણી કરવા છતાં તપાસ અહેવાલ અપાયો ન હતો. આખરે સપ્ટેમ્બર ૨૦૧૦માં ફરી અરજી કરવામાં આવતા હાઇકોર્ટે જરૂરી કાર્યવાહી કરવાના આદેશ કર્યા હતાં. પરંતુ હજુ સુધી આ પ્રકરણનું કોઇ નિરાકરણ કરાયું નથી.
આ ઉપરાંત બીજા કિસ્સામાં ૨૦૦૬ની સાલમાં નિલગીરીના ૩૬૧ અને બાવળના ૨૨ ઝાડની હરાજીમાં ગોટાળાની શંકાના પગલે માહિતી અધિકાર કાયદા હેઠળ વિગતો મગાઇ ત્યારે ડીડીઓના આદેશથી તલાટી-મંત્રીએ અરજદાર દશરથજી ઠાકોરને ફેબ્રુઆરી ૨૦૧૦માં એવી માહિતી આપી હતી કે, આ હરાજી વન વિભાગ ગાંધીનગર કચેરી કરી હતી. હરાજી પેટે રૂ.૩.૫૬ લાખ જુલાઇ-૨૦૦૬માં મળ્યા હતાં ત્યારબાદ આ મામલે જ બીજા નાગરિકો માહિતી માગી તો સપ્ટેમ્બર ૨૦૧૧માં તલાટીએ એમ જણાવ્યું હતું કે, ઉપરોકત ઝાડની હરાજી પરિક્ષેત્ર વન અધિકારીની કચેરી કલોલ દ્વારા કરાઇ હતી અને હરાજી પેટે રૂ.૧.૧૯ લાખ મળ્યા હતાં. એક જ બાબતે અલગ અલગ બે માહિતી જુદા જુદા સમયે અપાઇ હતી અને તેમાં નજરે દેખાતી રૂ.૨.૩૪ લાખની રકમ સંદર્ભે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.