Bhaskar News, Ahmedabad; Monday, November 22, 2010
વર્ષ ૨૦૧૦માં ઓગસ્ટ સુધીમાં ૧૬૩૧ કેસમાંથી ૮૧૯ કેસ પેનલ્ટીને લાયક હતા :
આરટીઆઇની સાર્વજનિક જનસુનાવણી યોજાઈ
આરટીઆઇની સાર્વજનિક જનસુનાવણી યોજાઈ
રાઇટ ટૂ ઇન્ફર્મેશન (આરટીઆઇ-માહિતીનો અધિકાર)ના ૮૧૯ કેસો દંડ લાયક હોવા છતાં તેમાં પેનલ્ટી ન કરાતાં રાજ્ય સરકારને રૂપિયા બે કરોડનું નુકસાન થયું છે. રાજ્યના માહિતી કમિશનરોની શિથિલતા અને ટોચના અધિકારીને બચાવવાની વૃત્તિને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું હોવાનું આરટીઆઇ એવોર્ડ કમિટીએ ચાલુ વર્ષે કરેલા ડેટા એનાલિસિસમાં સામે આવ્યું છે.
શહેરના મહેંદી નવાજ જંગ હોલ ખાતે આરટીઆઇની જાહેર જનસુનાવણી યોજાઇ હતી. જેમાં કમિટીએ વર્ષ ૨૦૧૦ના ઓગસ્ટ સુધીના કેસોના ડેટા એનાલિસીસમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષમાં રાજ્ય માહિતીકમિશનરે ૧૬૩૧ કેસમાં જવાબ આપવા આદેશ કર્યો હતો. જો કે તેમાંથી ૮૧૯ કેસ એવા હતા જેમાં જે તે અધિકારીને માહિતી આપી ન હતી અથવા લાંબી રાહ જોવડાવ્યા બાદ આપી હતી જે દંડને પાત્ર હતી.
રાજ્યમાં આરટીઆઇ કરનારને જે અન્યાય થયો છે તેમના માટે યોજાયેલી આ સુનાવણીમાં ભારતમાં આરટીઆઇ કાયદો લાવનારામાંના એક અને રોમન મેગ્સેસ એવોર્ડ વિજેતા અરવિંદ કેજરીવાલ પણ હાજર રહ્યા હતા.
આરટીઆઇ એવોર્ડ કમિટી દ્વારા આયોજિત આ સુનાવણીમાં મુખ્ય માહિતી કમિશનર આર. એન. દાસ, જે. એન.શુક્લા અને નેત્રા ચિનોઇ હાજર રહી લોકોના જવાબ આપવાના હતા. જો કે તેઓ ગેરહાજર રહેતા લોકો નિરાશ થયા હતા અને કમિશનરોની હાય હાય બોલાવી હતી. સેમિનારમાં રાજ્યભરમાંથી અરજીનો ઓર્ડર થયો છતાં જવાબ ન મળ્યો હોય તેવા અનેક લોકો ભેગા થયા હતા.
આરટીઆઇ કરનારાને થાય છે હાસ્યાસ્પદ અને કડવા અનુભવો
રાજ્યમાં આરટીઆઇ કરતી વખતે કડવા અને હાસ્યાસ્પદ અનુભવ થયા હોય તેના અનેક જાગૃત નાગરિકો સેમિનારમાં ઉપસ્થિત હતા. જુનાગઢ જિલ્લાના માંગરોળના મોહંમદ હાસમ મહીડાએ કહ્યું હતું કે, ‘પોતે જે સ્કૂલમાં હતા તે એમએમડબલ્યુ શાળા પાસે ફંડ, શિક્ષકોની હાજરી, એલટીસીની માગણી કરી ત્યારે સ્કૂલસંચાલકોએ તેમને માહિતીને બદલે પૂંઠા મોકલ્યા હતા.
સાથે સાથે સ્કૂલે લખ્યું હતું કે ૯૨૨ પાનાં મોકલવામાં આવે છે.’ મોરબીથી આવેલા બીજીબહેન પરમારની એક અરજીને બે વર્ષ થયા છતાં જવાબ નથી મળ્યો. બીજીબહેને મહેન્દ્રનગરની પડતર જમનીમાં તેમનું મકાન પાડી દેવામાં આવ્યું તે અંગે અરજી કરી હતી.બનાસકાંઠાના ધાનેરાથી આવેલા ઇન્દ્રભાઇ તુંવરે જણાવ્યું હતું કે, ‘ ધાનેરામાં પૂર વખતે ૨૪૩ પરિવારને પ્લોટ આપવામાં આવ્યો તે વિશે અરજી કરી હતી. જો કે પાંચ મહિના થયા છતાં જવાબ નથી મળ્યો.