Monday, November 22, 2010

RTIના ૧૬૩૦ કેસોમાં માત્ર ૮ને દંડ

Ahmedabad; Sandesh, Gujarati Daily : Monday, November 22, 2010
ઔદ્યોગિક સહિત તમામ ક્ષેત્રમાં ગુજરાત હરણફાળ વિકાસ ભરી રહ્યું છે અને શિક્ષણથી માંડીને બિઝનેસમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે તેવી સુફિયાણી વાતો કરવામાં આવી રહી છે. તે સંજોગોમાં વાયબ્રન્ટ ગુજરાતમાં પણ માહિતી અધિકારમાં ગુજરાતની કામગીરી ઘણી નબળી રહી છે. માહિતી અધિકાર આયોગ લોકોને સામાન્ય માહિતી અપાવવામાં પણ જાણે નિષ્ફળ રહ્યું છે. આરટીઆઇ એવોર્ડ કમિટીના મતે, છેલ્લા એક વર્ષમાં કુલ ૧૬૩૦ કેસોમાં માહિતી આયોગે માત્ર ૮ અરજીમાં જવાબદાર માહિતી અધિકારીને દંડ કર્યો હતો. પ્રથમવાર યોજાયેલી જાહેર સુનાવણીમાં માહિતી આયોગ કમિશનર ફરક્યા જ ન હતા, પરિણામે ઉશ્કેરાયેલા લોકોએ કમિશનરનો હુરિયો બોલાવીને વિરોધ પ્રર્દિશત કર્યો હતો.
અમદાવાદમાં પાલડી ખાતે મહેંદીનવાજ જંગ હોલમાં આરટીઆઇ એવોર્ડ કમિટી આયોજિત માહિતી અધિકાર હેઠળ અરજકર્તાઓની જાહેર સુનાવણી યોજાઇ હતી, જેમાં કમિટીના સભ્ય અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, દિલ્હી, ગોવા, પંજાબ અને હૈદરાબાદમાં કમિશનરની ઉપસ્થિતિમાં જાહેર સુનાવણી થાય છે જેથી લોકોને પડતી મુશ્કેલીનું નિરાકરણ થાય છે. દુર્ભાગ્ય છે કે, આ સુનાવણીમાં કમિશનર હાજર નથી. માહિતી આયોગ જ આવું કરશે તો કાયદાનો કોઇ અર્થ રહેશે નહીં. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, માહિતીના કાયદાનો લોકો નહીં પણ જાહેર માહિતી અધિકારીઓ જ ઉલ્લંઘન કરી રહ્યાં છે. કમિટીના અન્ય સભ્ય વિનોદ પંડયાએ જણાવ્યું હતું કે, માહિતી અધિકારનો ઉપયોગ કરતાં લોકોને અટકાવી શકાશે નહીં. ભ્રષ્ટાચાર,ગેરરીતિઓને માહિતી અધિકારથી બહાર લાવી શકાશે. વર્ષ ૨૦૦૯-૧૦માં કુલ ૧૬૩૧ કેસોમાં આયોગે ૬૯૮ કેસોમાં માહિતી આપવાનો હુકમ કર્યો હતો. ૬૩૩ અરજીઓને ટેકનિકલ કારણોસર રદ કરી દીધી હતી. ૨૦૪ અરજીને પોતાના કાર્યક્ષેત્રમાં નથી તેમ કરીને પરત કરી દેવાઇ હતી. ૭૭૩ અરજીકર્તાઓને તો આયોગે સાંભળવાની તક સુદ્ધાં આપી નહીં. ૮૧૯ અરજીઓમાં તો જાહેર માહિતી અધિકારીઓ દોષિત હોવા છતાંયે આયોગે ઢીલું વલણ દાખવી કોઇ કાર્યવાહી જ કરી નહીં. દંડ ન કરવાને કારણે સરકા૨ને ૨ કરોડનું નુકસાન ભોગવવું પડયું છે. નોંધનીય છે કે, માહિતી ન આપવા બદલ અધિકારીને રૃ.૨૫૦થી ૨૫ હજાર સુધીનો દંડ થઇ શકે છે. આજે પણ અપીલ સહિત કુલ ૭૧૦૦ કેસો પેન્ડિંગ છે.
માહિતી આયોગ કમિશનર સુનાવણીમાં હાજર ન રહેતાં લોકોએ હાય રે, કમિશનર હાય હાયના સૂત્રોચ્ચાર કરીને હોલ ગજવી મૂક્યો હતો. અમદાવાદ સહિત રાજ્યભરમાંથી આવેલા લોકોને માહિતી અધિકાર હેઠળ અધિકારીઓ જવાબ આપતાં જ નથી. અરજીકર્તાને ધમકી આપવામાં આવે છે. માહિતી પણ અધૂરી આપવામાં આવે છે. એક વર્ષ સુધી જવાબ મળતાં નથી તેવી ફરિયાદો કરીને રોષ વ્યક્ત કર્યો હતો.
આરટીઆઇની કામગીરીમાં વાયબ્રન્ટ ગુજરાત ૧૮મા ક્રમે
અમદાવાદઃ ગુજરાતમાં માહિતી આયોગની કામગીરી સંતોષકારક નથી. એવોર્ડ કમિટીના સભ્યના મતે, દર વર્ષે માહિતી અધિકારની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવે છે અને દરેક રાજ્યનું રેન્કિંગ આપવામાં આવે છે. પરફોર્મન્સ ઓફ ઇન્ફર્મેશન કમિશનના મતે, આરટીઆઇમાં ગુજરાત ઘણું પાછળ રહ્યું છે. ભારતમાં માહિતી અધિકારની કામગીરીમાં ૧૮ ક્રમે રહ્યું છે. આ પરથી સાબિત થાય છે કે, ગુજરાતમાં માહિતી અધિકારનો કાયદો માત્ર કાગળ પર જ રહ્યો છે.
જૂનાગઢના શિક્ષકને પોસ્ટમાં માહિતીને બદલે પૂઠાં મળ્યાં
અમદાવાદ : જાહેર સુનાવણીમાં ભાગ લેવા આવેલા જૂનાગઢની એમ.એન.ડબલ્યુ હાઇસ્કૂલના નિવૃત્ત શિક્ષક હાસમભાઇ મહિડાએ માહિતી અધિકાર હેઠળ કર્મચારીઓ કેવી મજાક કરે છે તેનું ઉદાહરણ આપ્યું હતું. તેણે કહ્યું કે, શાળાના કૌભાંડના મામલે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ અરજી કરીને માહિતી માંગી ત્યારે તેમણે રજિ.એડીથી પાર્સલ મોકીલેન ૪૧૯ નકલો મોકલી હોવાનું જણાવ્યું હતું પણ જ્યારે પાર્સલ ખોલ્યું તો તેમાંથી માત્ર પૂઠાં નીકળ્યાં હતાં.
સમારોહમાં તલવાર દર્શાવતા નેતાઓ વિરુદ્ધ આરટીઆઇ
અમદાવાદ : ભાજપ અને કાંગ્રેસના નેતાઓ જાહેરમાં તલવારનો ઉપયોગ કરતાં હોય છે, જેથી અમદાવાદના રહીશ અલ્પેશ ભાવસારે માહિતી અધિકાર હેઠળ એવી માહિતી માંગી હતી કે, જાહેર સ્થળોએ તલવાર જેવાં શસ્ત્રોનો ઉપયોગ કરતાં નેતાઓ પોલીસ કમિશનર પાસેથી મંજૂરી મેળવે છે ખરા. આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગંાધીનગર જિલ્લા પોલીસ વડાને અરજી કરવામાં આવી હોવા છતાંયે એક વર્ષના અંતે કોઇ સાનુકૂળ પ્રત્યુત્તર મળી શક્યો નથી.