(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, રવિવાર;Gujarat Samachar; 22-Nov.-2010, Monday
ગુજરાતમાં રાઈટ ટુ ઈન્ફરમેશન હેઠળ આવતી અરજીઓનો ઝડપી નિકાલ નહીં થતાં બે-ત્રણ વર્ષ સુધી અરજીઓ ચાલે તેટલો ભરાવો થઈ ગયો છે, ઉપરાંત બહુ જ ઓછા કેસોમાં પેનલ્ટી ચૂકવવાના ઓર્ડર થાય છે. આરટીઆઈ અરજકર્તાઓએ આ સંદર્ભમાં ભારે રોષ ઠાલવ્યો છે.આરટીઆઈ અરજકર્તાઓ દ્વારા રવિવારે અમદાવાદમાં યોજેલા સંમેલનમાં એવું જાહેર થયું હતું કે, જાન્યુઆરી ૧૦થી ઓગસ્ટ- ૧૦ સુધીમાં થયેલી, માહિતી માગતી અરજીઓ પૈકી ૭૧૦૦ ફરિયાદો પેન્ડિંગ છે, આ ગાળામાં રાજ્યમાં ત્રણ માહિતી કમિશનરો હોવા છતાં માત્ર ૨૩૮૬ અરજીઓમાં હુકમો થયાં હતા, મતલબ કે કમિશનરદીઠ મહિને માત્ર ૧૦૦ અરજીઓનો નિકાલ થઈ રહ્યો છે. આવી રીતે ઢીલાશથી તંત્ર ચાલે તો બે-ત્રણ વર્ષેય અરજીઓનો નિકાલ ના થાય અને સમયસર માહિતી મેળવવાનો હેતુ માર્યો જાય એમ પણ જણાવાયું હતું કે, આ ૮ માસના ગાળામાં માત્ર ૧ ટકા કિસ્સામાં જ પેનલ્ટી લેવાઈ છે, જ્યારે બીજાં રાજ્યોમાં પેનલ્ટી વસૂલ કરવાનું ધોરણ ઘણું ઉંચું છે.સંમેલનમાં આરટીઆઈ અપીલકર્તાઓ વિનોદ પંડયા, ભરતસિંહ ઝાલા દ્વારા એવું પણ જણાવાયું હતું કે, ૨૦૦૯-૧૦માં ૧૬૩૧ કેસો આવ્યા હતા, જેમાં માત્ર ૬૯૭ કિસ્સામાં માહિતી આપવાના હુકમો થયા હતા અને ૬૯૩ અરજીઓ કોઈને કોઈ કારણ ઉભા કરીને રદ કરાઈ હતી. વાસ્તવમાં ૮૧૯ કિસ્સામાં પેનલ્ટી થઈ શકે તેવી હતી, છતાં તે અંગે હુકમો ના થયા, જેને કારણે સરકારી તિજોરીને ૨ કરોડનું નુકસાન ગયું હતું.