Friday, July 19, 2024

RTI એક્ટિવિસ્ટને પતાવી દેવા આર્મીમેને સોપારી આપી:સરપંચ મિત્રના કહેવાથી ઈકોકારના ચાલકને કામ સોંપ્યું, અકસ્માતમાં એક્ટિવિસ્ટ બચી જતા તમામનો ભાંડો ફૂટી ગયો

Divya Bhaskar: Junagadh: Friday, 19 July 2024.
જૂનાગઢના કેશોદ તાલુકાના શેરગઢ ગામના RTI એક્ટિવિસ્ટને મારી નાખવાનો પ્રયાસ કરાયો હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. RTI એક્ટિવિસ્ટ શેરગઢ ગામના કામોની માહિતી માગતા હોય ગામના સરપંચે જ તેના ભાઈ, આર્મીમેન મિત્ર સાથે મળી હત્યાનું કાવતરું ઘડ્યાનો ઘટસ્ફોટ થયો છે. RTI એક્ટિવિસ્ટને ઈકો કારની મદદથી ઉડાવી દેવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ, સદનસીબે તેનો બચાવ થયો છે. જૂનાગઢ એલસીબીએ આ મામલે શેરગઢના સરપંચ અને ઈકો કારના ચાલકને ઝડપી પાડ્યા છે. જ્યારે રાજસ્થાનમાં ફરજ બજાવતા આર્મીમેન અને સરપંચના ભાઈની શોધખોળ હાથ ધરી છે. ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે એવા આ બનાવનું કાવતરું કઈ રીતે ઘડાયું અને કઈ રીતે અંજામ આપવાનો પ્રયાસ કરાયો તેની સિલસિલાબંધ વિગતની વાત કરીએ.
શું હતો સમગ્ર મામલો
?
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના શેરગઢ ગામના RTI એક્ટિવિસ્ટ પ્રવીણ વાળા ગામમાં થતા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે RTI કરતા રહેતા હતા. જે શેરગઢ ગામના સરપંચ મોહનને પસંદ ન હતું. જેથી બે દિવસ પહેલા જૂનાગઢ જિલ્લા પંચાયત ખાતે ફરિયાદી પ્રવીણ વાળા પોતાના કામથી ગયા હતા ત્યારે શેરગઢના સરપંચ મોહને જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડમાં પ્રવીણ વાળા પર ગાડી ચડાવી તેને કહ્યું હતું કે આજે તને પતાવી દેવો છે. જો કે, જે તે સમયે પ્રવીણ વાળા પોતાનો જીવ બચાવી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. પ્રવીણ વાળા જિલ્લા પંચાયતથી ભાગીને પોતાના મોટર સાયકલ પર શેરગઢ જઈ રહ્યા હતા ત્યારે મેંદરડા નજીક પૂરપાટ ઝડપે આવતી ઈકોના ચાલકે ટક્કર મારી હતી.
'બસ હવે આનું તો પૂરું થઈ ગયું, આજથી નડતો બંધ થઈ ગયો'
ફરિયાદીના જણાવ્યા મુજબ ઈકો કારના ચાલકે ટક્કર મારતા તે અને તેની પાછળ બેસેલ વ્યકિત રસ્તા પર પટકાયા હતા. ત્યારબાદ કારમાં સવાર વ્યકિત બોલ્યો હતો કે, બસ હવે આનું પૂરું થઈ ગયું છે આજ થી નડતો બંધ થઈ ગયો. જો કે, ઈજાગ્રસ્ત થયેલા પ્રવીણ વાળા અને તેના મિત્રની મદદે આસપાસના ગામના લોકો આવ્યા હતા અને 108માં જૂનાગઢ હોસ્પિટલ ખસેડતા તેઓનો જીવ બચી ગયો હતો. ઘટનાની જાણ થતા મેંદરડા પોલીસ પણ જૂનાગઢ સિવિલ પહોંચી હતી.
શેરગઢના સરપંચે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો પણ...
અકસ્માત બાદ સમગ્ર ઘટના બાબતે પ્રવીણ વાળાને પોલીસે પૂછતા તેમને જણાવ્યું હતું કે શેરગઢ ગામના સરપંચ મોહને તેના મળતીયાઓ સાથે મળી મને કારની ઠોકરે લઈ મને મારી નાખવાની કોશિશ કરી છે. ફરિયાદીના જણાવ્યા મુજબ એલસીબીએ મિનિટોમાં જ શેરગઢ ગામના સરપંચની ઝાંઝરડા ચોકડી પાસેથી પકડી પાડ્યો હતો. શેરગઢના સરપંચ મોહનને એલસીબીએ લાવી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પરંતુ
, મોહને કોઈ ગુનો ન કર્યા હોવાનું અને પોતે જિલ્લા પંચાયત કચેરી ખાતે જ હોવાનું રટણ કરતો હતો. જો કે, પોલીસે જ્યારે કડકાઈથી પૂછપરછ કરી તો મોહનનો પ્લાન સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
સરપંચે જ પોતાના ભાઈ, મિત્ર અને ઈકોના ચાલક સાથે મળી કાવતરું ઘડ્યું હતું
શેરગઢના સરપંચની પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, આ ગુનામાં પોતાનું નામ ન આવે તે માટે તે પોતે જિલ્લા પંચાયતમાં જ રહ્યો હતો. જો કે, પ્રવીણ વાળાને પતાવી દેવા માટે પોતાના ભાઈ મહિપલ દયાતર, રાજસ્થાન આર્મીમાં ફરજ બજાવતા મિત્ર મહિપત સિસોદિયા અને ઈકો કારના ચાલક સાથે મળી કાવતરું ઘડ્યું હતું.
ભાઈએ RTI એક્ટિવિસ્ટનો ફોટો આપ્યો, આર્મીમેને 25 હજારની સોપારી આપી
શેરગઢ ગામના સરપંચ મોહને તેમના ભાઈને કહ્યું હતું કે, પ્રવીણ જ્યારે ગામમાંથી નીકળે ત્યારે મને તેનો ફોટો મોકલજે. ત્યારે સરપંચના ભાઈએ મોહનને ગામના સીસીટીવી ફૂટેજ માંથી પ્રવીણનો ફોટો કેપ્ચર કરી મોકલ્યો હતો. મોહને આ ફોટો રાજસ્થાન આર્મીમાં ફરજ બજાવતા તેના મિત્ર મહિપત સિસોદિયા મોકલી આપ્યો હતો. રાજસ્થાન આર્મીમાં ફરજ બજાવતો મહિપત સિસોદિયા મૂળ માળિયા હાટીનાનો રહેવાસી હતો અને તેને આ વિસ્તારની તમામ માહિતી હતી. જેને લઇ મહીપત સિસોદિયાએ ઇકો ચાલક રફીકને આ ફોટો મોકલી પ્રવીણ વાળાને પતાવી દેવા માટે 25,000 ની સોપારી આપી હતી. આર્મીમાં ફરજ બજાવતા મહિપત સિસોદિયાને મોહન દયાતરે પ્રવીણની માહિતી આપ્યા બાદ રાજસ્થાનમાં બેઠેલા તેના મિત્ર મહિપતે આરટીઆઈ એક્ટીવીસ્ટને કયા રોડે ઠોકર મારવી તેની માહિતી આપી હતી. કારણ કે મહિપત સિસોદિયાને ખબર હતી કે કયા રોડ પર સીસીટીવી લાગેલા નથી જેથી આ ગુનો કર્યા ની જાણ પોલીસને ન થઈ શકે.
શું કહ્યું ભોગ બનનાર RTI એક્ટિવિસ્ટે?
શેરગઢ ગામમાં રહેતા અને આરટીઆઇ એક્ટિવિસ્ટ પ્રવીણ વાળાએ જણાવ્યું હતું કે
, હું RTI એક્ટિવિસ્ટ છું.શેરગઢમાં થતા ભ્રષ્ટાચારને ખુલ્લા પાડું છું. હું મારા કામથી જિલ્લા પંચાયત ગયો હતો. અમારા ગામના સરપંચ મોહન દયાતરને હું આર.ટી.આઈ કરું છું એટલે વારંવાર ખૂચતો હતો. હું તેનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડું છું એટલે તેને નડું છું. હું જ્યારે જિલ્લા પંચાયત જતો હતો ત્યારે મોહન દયાતરે તેની કાર મારી માથે ચડાવી મને મારવાનો પ્રયત્ન કર્યો હતો.ત્યાંથી હું મારો જીવ બચાવી ભાગ્યો હતો. થોડીવાર બાદ મોહન દયાતરે મને કહ્યું કે આજે સાંજ સુધીમાં તને ઉપાડી લેવો છે. તું મને બહુ નડ્યો છો આજ તારું કામ પૂરું કરી દેવું છે.
આ બનાવ બાદ હું જિલ્લા પંચાયતેથી શેરગઢ મારા ગામે જતો હતો ત્યારે મેંદરડા નજીક રાજાવડના પાટીયા પાસે એક ફોરવીલ 100 ની સ્પીડ આવી મારી બાઈકને ઠોકર મારી માને મારી નાખવાની કોશિશ કરી હતી. અમારા ગામના સરપંચ મોહન દયાતરે અનેકવાર મને જાનથી મારી નાખવાની કોશિશ કરી છે. અગાઉ પણ મારા ગામના સરપંચે અને તેના માણસોએ હુમલો કર્યો હતો.
સરપંચ મોહન અને ઈકો કારના ચાલકને પોલીસે દબોચ્યા
પોલીસ પૂછપરછમાં શેરગઢ ગામના સરપંચ મોહને આ સમગ્ર કાવતરું ઘડયાંનુ કબૂલ્યું હતું. જેને લઇ જૂનાગઢ એલસીબી અને મેંદરડા પોલીસે સરપંચ મોહન અને ઇકો કાર ચાલક રફીક ઝડપી પાડ્યા છે. જ્યારે રાજસ્થાનમાં ફરજ બજાવતો આર્મીમેન મહિપત સિસોદીયા અને સરપંચના ભાઈ મહિપત દયાતરની પોલીસે શોધખોળ હાથ ધરી છે. RTI એક્ટિવિસ્ટ દ્વારા સરપંચ સહિત તેના મળતીયાઓ સામે હત્યાની કોશિશ અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
ભૂતકાળમાં સરપંચે PSIને પણ માર માર્યો હતો
ઝડપાયેલ શેરગઢ ગામના સરપંચે અગાઉ પણ કેશોદ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇની ચેમ્બરમાં ઘુસી પીએસઆઇ કચોટને માર મારેલની ફરિયાદ નોંધાય હતી.