Tuesday, May 05, 2015

RTI અધિનિયમ અધિકારીઓ સામે ધરાયેલો અરીસો: ભદ્રેશ શાહ

દિવ્યભાસ્કર: રાજપીપળા: મંગળવાર, ૦૫ મે ૨૦૧૫.
નર્મદાજિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ આજે રાજપીપળા ટાઉનહોલ ખાતે સરદાર પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લીક એડમીનીસ્ટ્રેશનના વડોદરા વિભાગીય તાલીમ કેન્દ્ર અને નર્મદા જિલ્‍લા વહિવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે જિલ્‍લાના વરિષ્ઠ અધિકારીઓ/કર્મચારીઓ માટે જાહેર માહિતી અધિકાર અધિનિયમ- 2005 અન્વયે યોજાયેલી એક દિવસીય તાલીમ શિબિરને દીપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લી મુકી હતી.
તાલીમ શિબિરને સંબોધતા જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ જણાવ્યું હતું કે, માહિતી અધિકાર અધિનિયમ- 2005 અંતર્ગત કાયદો, નિયમો અને અન્ય બાબતોને અનુસરીને માંગવામાં આવેલી માહિતીની વિગતો સ્વયં સ્પષ્ટ રીતે સમય મર્યાદામાં આપવી જોઇએ. તેમણે પોતાના જુનાગઢ, રાજુલા, ખેડા અને હાલમાં નર્મદા જિલ્‍લાના કાર્યકાળ દરમિયાન માહિતી અધિકાર હેઠળની અરજીઓના નિકાલ સંદર્ભના સંસ્મરણો તેમના વ્યક્તવ્યમાં વણી લઇ, જુદી જુદી માહિતી આપવાના પ્રકાર સહિત અંગેની જોગવાઇઓ હેઠળ માંગવામાં આવેલી માહિતી સમતોલપણે પૂરી પડાય તેની ખાસ કાળજી અને ચીવટ રાખવા જણાવ્યું હતું.
એમ.એસ. યુનિવર્સિટી-વડોદરા અને સ્પીપા અમદાવાદનાં ટ્રેનર તથા બેંક ઓફ બરોડાનાં લીગલ એડવાઇઝર ભદ્રેશ શાહે માહિતીનો અધિકાર-2005 અને નિયમો 2010ની અગત્યની જોગવાઇઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, માહિતીનો અધિકાર અધિનિયમ સરકારી અધિકારીઓ સામે ધરવામાં આવેલો અરીસો છે. જેના માધ્યમથી નિષ્‍ઠા, ઇમાનદારી તથા પ્રજાભિમુખ વહિવટના અભિગમ પ્રતિબિંબિત થાય છે, તેમ જણાવી આરટીઆઇ હેઠળની વિગતોના નિકાલમાં અધિકારી/કર્મચારીની વર્તણુંક, વલણ અને વાણી મહત્વની ભૂમિકા ભજવતી હોય છે.
બાબતે પણ ખાસ કાળજી રાખવા તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું. ભદ્રેશ શાહે વધુમાં જણાવ્યું હતું કે, કોઇપણ કાર્યમાં સફળ થવુ હોય તો વ્યક્તિની વર્તણુંક ખૂબ મહત્વની બાબત છે.