Wednesday, May 06, 2015

નિવૃત્ત થતા કર્મચારીઓનો ગ્રેજ્યુઇટી પ્રશ્ન ઉકેલવા રજૂઆત કરાઇ

KutchMitra: Bhuj: Wednesday, 06 May 2015.
નગરપાલિકાના નિવૃત્ત થતા કર્મચારીઓનો ગ્રેજ્યુઈટીનો પ્રશ્ન  ઉકેલવા માંગ ઊઠી છે. માહિતી અધિકાર તળે પ્રાપ્ત હકીકતના આધારે સુધરાઇ કર્મચારીઓને ગ્રેજ્યુઈટી આપવાના જે નિયમો સ્વીકારાયા છે તેમાં ગ્રેજ્યુઈટી એક્ટ હેઠળ કર્મચારીના નોકરીના વર્ષો+છેલ્લા 36 માસના આખા પગાર ગણવાનું સ્વીકાર્યું છે. અગાઉ જૂના કર્મચારીઓને પૂરેપૂરી ગ્રેજ્યુઈટી ચૂકવાયેલી જ છે અને નવા નિયમ હેઠળ જે નિવૃત્ત થયા એની આકારણી પણ પૂરેપૂરી ગણતરીના પત્રકો બનાવ્યા છે જ. પરંતુ જે કર્મચારીની 6 લાખ ગ્રેજ્યુઈટી થતી હોય એમને પણ 3.50 લાખ ચૂકવેલા. એક જાગૃત કર્મચારીએ અદાલતમાં કેસ કર્યો હતો. ત્યારે નગરપાલિકાના વકીલે જ સુધરાઇને સલાહ આપી હતી કે, સંબંધિત કર્મચારી સાચા છે અને પૂરેપૂરી ગ્રેજ્યુઈટી ચૂકવવાની રહેશે. પણ તંત્ર હાર ન માનતાં કેસ ચાલી જતાં શ્રમ અદાલતે સંબંધિતોને પૂરેપૂરી ગ્રેજ્યુઈટી ચૂકવી આપવા હુકમ કર્યો છે. પ્રશ્ન એ પણ છે કે, અગાઉ 3.50 લાખની મર્યાદા હતી જે 10 લાખ કરાઇ, જેનો 5/2010 પછી નિવૃત્ત થતા કર્મચારીઓને લાભ આપવાનો થાય છે. હાલ ઉપલી અદાલતમાં આ કેસ પડતર છે, જેનો નિર્ણય પણ ટૂંકમાં આવશે. અગાઉ કર્મચારીઓને સામેથી એરિયર્સની રકમ ભુજ નગરપાલિકાએ ચૂકવી ત્યારે એમાં પણ 35થી 40 કર્મચારીઓ એવા હતા જેમનું  અવસાન થઇ ગયું. હાલમાં જ આ કેસ બાબતનો 32 લાખનો ડી.ડી. ખોવાઇ ગયો છે. આ પ્રશ્ન જિલ્લા ભાજપ પ્રમુખ પંકજ મહેતા, ધારાસભ્ય રમેશ મહેશ્વરી, સાંસદ વિનોદ ચાવડા પાસે કે.કે. મહેશ્વરી, એમ.વી. સાદીઆ, ભૂપેન્દ્ર મહેતા, રમેશ વારાએ રજૂઆત કરી આ પ્રશ્ન ઉકેલવા માંગ કરી હતી.