Friday, June 19, 2026

હવે અકસ્માતના દસ્તાવેજો માટે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં!:પીડિત પરિવાર અને ઇન્સ્યુરન્સ એજન્ટને FIR, પીએમ રિપોર્ટ સહિતના દસ્તાવેજો વિનામૂલ્યે મળશે.

Divyabhaskar: Ahmedabad: Friday, June 19, 2026.
રોડ અકસ્માતોનો ભોગ બનેલા પીડિતોના પરિવારોને વીમા ક્લેમ અને વળતર મેળવવામાં પડતી હાલાકીનો અંત લાવવા માટે ગુજરાત માહિતી આયોગે ઐતિહાસિક નિર્ણય કર્યો છે. હવે મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલ (MACT) સંબંધિત કેસોમાં પીડિત પરિવાર અથવા ઇન્સ્યુરન્સ કંપનીના અધિકૃત એજન્ટને FIR, પંચનામું, FSL રિપોર્ટ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સહિતના તમામ કાયદાકીય દસ્તાવેજો કોઈપણ ચાર્જ લીધા વિના 'વિનામૂલ્યે' ઉપલબ્ધ કરાવવા પોલીસ તંત્રને કડક આદેશ આપવામાં આવ્યા છે.
ઇન્સ્યુરન્સ એજન્ટની અરજી પર માહિતી આયોગનો મોટો સપાટો તાજેતરમાં એક ઇન્સ્યુરન્સ કંપનીના અધિકૃત એજન્ટ દ્વારા બે અલગ-અલગ અકસ્માત કેસોના જરૂરી દસ્તાવેજો મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. જોકે, સંબંધિત પોલીસ સ્ટેશન અને સ્થાનિક કોર્ટ દ્વારા આ માહિતી આપવાનો ઇનકાર કરાતાં મામલો આખરે રાજ્ય માહિતી આયોગ સુધી પહોંચ્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન આયોગે ગંભીર નોંધ લીધી હતી કે એમ.એ.સી.ટી. એક્ટ (સુધારા)-2022 અને સુપ્રીમ કોર્ટના અગાઉના કડક નિર્દેશો અનુસાર, અકસ્માત સંબંધિત તમામ માહિતી નિર્ધારિત સમયમર્યાદામાં અરજદારોને આપવી કાયદેસર રીતે ફરજિયાત છે.
સમયમર્યાદા નક્કી, કયો અહેવાલ કેટલા સમયમાં આપવો પડશે?
પ્રથમ અકસ્માત અહેવાલ (FAR): 48 કલાકમાં
વચગાળાનો અકસ્માત અહેવાલ (IAR): 50 દિવસમાં
વિગતવાર અકસ્માત અહેવાલ (DAR): 90 દિવસમાં
DGP ને કડક આદેશ: 
હવે RTI હેઠળ અલગથી અરજી કરવાની જરૂર નથી આયોગે સ્પષ્ટ કર્યું છે કે અકસ્માતમાં ભોગ બનનાર વ્યક્તિ, મૃત્યુના કિસ્સામાં તેમના કાયદેસરના વારસદારો તેમજ વીમા કંપનીના અધિકૃત પ્રતિનિધિને આ તમામ દસ્તાવેજો નિઃશુલ્ક આપવાની જવાબદારી પોલીસની જ છે. આ માટે નાગરિકોને માહિતી અધિકાર (RTI) હેઠળ અલગથી ધક્કા ખાવા ન પડે તેવી પૂર્વવ્યવસ્થા ગોઠવવા સૂચવાયું છે. આ અંગે આયોગે રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી અને પોલીસ મહાનિદેશક (DGP)ને ખાસ પરિપત્ર બહાર પાડીને રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં આ નિયમનું 100% કડક પાલન થાય તેવી સિસ્ટમ ગોઠવવા આદેશ કર્યો છે.
આ નિર્ણયથી શું ફાયદો થશે? અકસ્માત જેવા કપરા સમયે પરિવારોને વળતર મેળવવા માટે પોલીસ સ્ટેશન કે કોર્ટના ચક્કર કાપવામાંથી કાયમી મુક્તિ મળશે. દસ્તાવેજો સમયસર અને મફત મળવાને કારણે વીમા ક્લેમ મંજૂર થવાની પ્રક્રિયા અત્યંત ઝડપી અને પારદર્શક બનશે.