Sunday, October 06, 2024

સરકારી નિયમ-પદ્ધતિઓ જેટલી સરળ હશે તેટલી ફરિયાદો ઓછીઃ CM પટેલ

Navgujarat Samay: Gandhinagar: Sunday, 6 October 2024.
રાજ્યમાં આરટીઆઇ (રાઇટ ટુ ઇન્ફર્મેશન) સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને ઘર આંગણે વિવિધ યોજનાઓ અને સેવાઓનો લાભ પહોંચાડી કોઈ ફરિયાદનો અવકાશ જ ન રહે તેવી સ્થિતિનું નિર્માણ કરવા અપીલ કરી હતી. સરકારી નિયમો અને કાર્ય પધ્ધતિઓ જેટલી સરળ હશે તેટલી ફરિયાદો ઘટશે તેમ પણ જણાવ્યું હતું. દેશના મુખ્ય માહિતી કમિશનર હીરાલાલ સામરિયાએ જણાવ્યું હતું કે આરટીઆઈ એક્ટથી દેશના સામાન્ય માણસને માહિતી મેળવવી સરળ બનવા સાથે સરકારમાં પારદર્શકતા વધી છે.
ગાંધીનગરમાં એનએફએસયુ કેમ્પસ ખાતે ગુજરાત માહિતી આયોગ દ્વારા આરટીઆઈ સપ્તાહની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. સીએમ પટેલે કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, પોતાને મળતા લાભો કઈ રીતે મળશે એ અંગેના નિયમો-કાર્યપદ્ધતિની નાગરિકોને સ્પષ્ટપણે જાણ હોવી જોઈએ. નાગરિકોને ઘર આંગણે પારદર્શક રીતે સેવા મળશે તો આરટીઆઈ અંતર્ગત અરજીઓ પણ ઓછી થઈ જશે. લોકશાહીમાં હક્કની સાથે આપણી ફરજો નિભાવવાની બાબતને અગત્યની ગણાવતા તેમણે વિકસિત ભારત માટે એક થઈને કાર્ય કરવું પડશે તેમ પણ જણાવ્યું હતું.
ભારત સરકારના મુખ્ય માહિતી કમિશનર હીરાલાલ સામરિયાએ ગુજરાત સરકારની આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી આરટીઆઇ એક્ટની અરજદારોને સુગમતા આપવાની ગુજરાત માહિતી આયોગની કામગીરીને બિરદાવી હતી. સરકારના તમામ વિભાગોએ માહિતી પોતાની વેબસાઈટ પર મૂકવી જોઈએ તેવો અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
રાજ્યના મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષચંદ્ર સોનીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ૪૦ હજાર જેટલા માહિતી અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. માહિતી આયોગ, સામાન્ય વહીવટ વિભાગ અને સ્પીપાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સેમિનારમાં ત્રણ લઘુ પુસ્તિકાનું વિમોચન કરાયું હતું.