Sunday, October 06, 2024

RTI સપ્તાહની ઉજવણી:તાપી જિલ્લામાં RTI સપ્તાહ ઉજવણી 2024 અંતર્ગત વર્ચ્યુઅલ વર્કશોપ યોજાયો

Divya Bhaskar: Tapi: Sunday, 6 October 2024.
રાજ્યમાં
RTI સપ્તાહ ઉજવણી 2024 અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આજે તા.05/10/2024ના રોજ કલેક્ટર કચેરીના સભાખંડમાં વર્ચ્યુઅલ વર્કશોપ યોજાયો હતો. જેમાં આર.ટી.આઈ.એક્ટ-2005 અન્વયે કેન્દ્રિય માહિતી કમિશ્નર સહિત રાજ્યના મુખ્ય માહિતી કમિશ્નર, અપીલીય સત્તાધિકારીઓ અને જાહેર માહિતી અધિકારીઓ મોટી સંખ્યામાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
મુખ્મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત તમામ માહિતી અધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે, માહિતી અધિકાર એક્ટ ખૂબજ સારો છે. જેનો વિવેકપૂર્વક ઉપયોગ થાય એ જરૂરી છે. દરેકે હકારાત્મક અભિગમ અપનાવવો જોઈએ. લોકશાહીમાં સર્વોપરી અને પ્રજાને જવાબદાર રાજતંત્ર છે ત્યારે, વહીવટમાં સતત ચાલનારી પ્રક્રિયામાં રાજ્ય સરકારે મહત્વની ભૂમિકા ભજવી છે.
મુખ્ય માહિતી કમિશ્નરે જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 40 હજાર જેટલા જાહેર માહિતી અધિકારી અને 13600 પ્રથમ અપીલીય અધિકારીઓ છે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 5 વર્ષમાં 2500 જેટલી ફરિયાદ સુનાવણી હાથ ધરાઈ છે. કોરોના કાળમાં 7 હજારથી વધુ ચુકાદાઓ આપ્યા છે. કુલ 1,35,000 જેટલી ફરિયાદો મળેલ છે.
આ વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ, નિવાસી અધિક કલેક્ટર આર.આર.બોરડ, પ્રાંત અધિકારી પ્રિતેશ પટેલ, નાયબ કલેક્ટર તૃપ્તિ પટેલ સહિત તમામ જાહેર માહિતી અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.