Thursday, September 19, 2024

વિવાદ વકર્યો:RTIનો જવાબ તૈયાર નહીં કરનારા 11 કર્મીઓને નોટિસ આપી ખુલાસો પૂછાયો

Divya Bhaskar: Vadodara: Thursday, 19 September 2024.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જવાબો નહીં આપવાનો વિવાદ વધુ વકર્યો, માહિતી માંગી ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોવાના કર્મચારીઓના આક્ષેપો
શિક્ષણ સમિતિમાં પ્રતિભાશાળી શિક્ષક માટે આરટીઇના જવાબો નહિ આપવાનો વિવાદ વકર્યો છે. આરટીઇનો જવાબ તૈયાર કરી નહિ શકનારા
11 કર્મચારીઓને નોટીસ આપી ખુલાસો પૂછવામાં આવ્યો છે. કર્મચારીઓ જે તે સમયગાળામાં હાજર ના હોવા છતાં માહિતી માંગીને ખોટી રીતે હેરાન કરાતાં હોવાના આક્ષેપો કર્મચારીઓ દ્વારા કરાયા હતા.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક ગિરીશભાઇ શાહ દ્વારા પ્રતિભાશાળી શિક્ષકની માહિતી 2020 થી 2023 સુધીની તમામ માહિતી માંગવામાં આવી હતી. જોકે સમિતિ દ્વારા માહિતી આપવામાં આવી ના હતી. જેના પગલે શિક્ષકે અપીલ કરી હતી. જે ંસંદર્ભે 3 સપ્ટેમ્બરના રોજ વિડિયો કોન્ફરન્સથી માહિતી અધિકારીની ઝાટકણી કાઢી હતી કે માહિતી અધિકાર અધિનિયમ-2005 નો સરિયામ ભંગ કરેલ છે અને અરજદાર શિક્ષકને માંગ્યા મુજબની તમામ માહિતી વિનામૂલ્યે આપવા તેમજ અસંતોષ જણાય તો અરજદાર કેસ રીઓપન કરાવી શકે છે તેમ કોર્ટે આદેશ કર્યો હતો.
જેના પગલે શાસનાધિકારીએ શિક્ષકને માહિતી આપવા માટેની સૂચના કર્મચારીઓને આપી હતી. જોકે સમયસર માહિતી ના મળતા શાસનાધિકારીએ સમગ્ર શિક્ષાના 3 યુ.આર.સી. અને 8 સી.આર.સી. મળી કુલ 11 જણાને નોટીસ આપી છે. કર્મચારી મોહન માળીએ જણાવ્યું હતું કે આ નોટીસ કારણ વગર આપીને અમને ફસાવી પોતાનો બચાવ કરાઈ રહ્યો છે. કેમ કે પ્રતિભાશાળી શિક્ષકની તમામ માહિતી બંધ કવરમાં જીલ્લા કચેરીએ જમા કરાવવાની હોય છે.
બંધ કવરની કોઇપણ માહિતીની ગુપ્તતા જાળવવા માટે તેની કોપી રાખવાની થતી નથી તો પણ તે મુદ્દો ટાંકી અને યુ.આર.સી અને સી.આર.સી.ને નોટીસ અપાઈ છે. જે યોગ્ય નથી આ નોટીસ માહિતી અધિકારી અને જીલ્લા કચેરીને આપવાની હતી. કર્મચારી મોહન માળીએ વધુમાં જણાવ્યું હતું કે 11 સપ્ટેમ્બરના રોજ શાસનાધિકારી દ્વારા ઓફિસ સમયબાદ રાત્રે 8.30 વાગ્યા સુધી જે માહિતી અમારા સમયની ન હતી તો પણ એમના દ્વારા માહિતી તૈયાર કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું જે અમારા દ્વારા સ્વીકાર કરવામાં ન આવતા અમને 13 સપ્ટેમ્બરે સાંજે 5.30 વાગ્યે બંધ કવરમાં બીજી નોટીસ અપાઈ હતી.
તેમાં નોટીસની તારીખ 30 સપ્ટેમ્બર લખેલી હતી. આ અમારા સમયગાળાની ઘટના ના હોવા છતાં પણ ખોટી રીતે પરેશાન કરી અમારી પાસે માહિતી મંગાઈ રહી છે. જો અમને અપાયેલી નોટીસ પાછી નહિ ખેંચાય તો તો અમે ન્યાયિક પ્રક્રિયા કરીશું.
મેં જવાબ માંગ્યો છે,આરોપો ખોટા છે: શાસનાધિકારી
અમારા દ્વારા જે માહિતી માંગવામાં આવી છે તે આપવામાં આવી ના હતી. જેના પાસે લેખીતમાં જવાબ માંગવામાં આવ્યો છે. આ એક વહીવટી પ્રક્રિયાનો ભાગ છે તે કરવામાં આવી છે. કર્મચારીઓના આક્ષેપો ખોટા છે. > શ્વેતા પારગી , શાસનાધિકારી, શિક્ષણ સમિતિ