Sunday, September 22, 2024

ખેડૂતને ધમકી:પાટણના દેલવાડામાં ખેડૂતે RTI કરતાં કોન્ટ્રાક્ટરે મારી નાખવાની ધમકીઓ આપી, પોલીસ ફરિયાદ નોંધાઈ

Divya Bhaskar: Patan: Sunday, 22 September 2024.
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના દેલવાડા ગામમાં રહેતા એક ખેડૂતે પોતાના ગામમાં થયેલા વિકાસ કાર્યો અંગે તલાટી પાસે આરટીઆઈ કરીને માહિતી માંગતા ગામમાં રહેતા કોન્ટ્રાક્ટરે ખેડૂતને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા બદલ પોલીસ મથકમાં કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાગડોદ પોલીસ મથકમાં દેલવાડા ગામમાં ખેતીવાડી કરતા મુકેશજી ચુનાજી ઠાકોરે ફરિયાદ નોંધાવી છે તે મુજબ તેમણે થોડાક સમય અગાઉ ગ્રામ પંચાયતના વહીવટ દ્વાર દ્વારા ગામની અંદર થયેલ વિકાસના કામો અંગેની માહિતી આરટીઆઈ દ્વારા ગામ પંચાયતના તલાટી પાસે માંગતા તેમણે માહિતી તો આપી હતી, પરંતુ અધૂરી માહિતી આપી હતી. જેથી ખેડૂત મુકેશજી ઠાકોરે ઉપરી અધિકારી પાસે અપીલ કરી હતી. આ મામલે કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા ઠાકોર નટવરજી કેશાજી નામના વ્યક્તિએ ખેડૂત મુકેશજી ઠાકોરને અપશબ્દો બોલીને મારા વિરુદ્ધની અરજીઓ પાછી ખેંચી લેજે નહીં તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
ખેડૂત મુકેશજી ચુનાજી ઠાકોરની ફરિયાદને આધારે વાગડોદ પોલીસે ઠાકોર નટવરજી કેશાજી રહે દેલવાડા તા સરસ્વતી જી પાટણ વાળા વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.