Sunday, September 29, 2024

ટેન્ડર રદ કરીને કાર્યવાહી કરવા RTI કાર્યકર્તાની માગણી:લોઅર પરેલમાં 520 કરોડની નવા કાર પાર્કિંગથી 300 કરોડનું નુકસાન

Divya Bhaskar: Mumbai: Sunday, 29 September 2024.
મુંબઈમાં માટુંગા
, મુંબાદેવી, ફોર્ટ અને વરલી હેઠળની એડવાન્સ્ડ મલ્ટિલેવલ ઇલેક્ટ્રોમેકેનિકલ કાર પાર્કિંગ સિસ્ટમ (શટલ અને રોબોપાર્કર સિસ્ટમ)માં અગાઉની ખોટને અવગણીને, મુંબઈ મહાપાલિકાએ લોઅર પરેલના ડામર પ્લાન્ટમાં 548 કાર પાર્કિંગ માટે ફરીથી રૂ. 520 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ આ ટેન્ડરમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતને ધ્યાનમાં લઈને ટેન્ડર રદ કરીને કાર્યવાહી કરવાની માગણી કરી છે. લોઅર પરેલમાં 520 કરોડ રૂપિયાના આ નવા કાર પાર્કિંગથી 300 કરોડ રૂપિયાનું નુકસાન થશે.
ગલગલીએ મુખ્ય મંત્રી એકનાથ શિંદે, ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહાપાલિકા કમિશનર ભૂષણ ગગરાણીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, અગાઉની ફરિયાદ પર કોઈ ધ્યાન આપ્યા વિના પ્રશાસને ડામર પ્લાન્ટમાં 548 કાર પાર્કિંગ માટે 520 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. હવે લોઅર પરેલમાં એક નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. દરેક કારની કિંમત 95 લાખ રૂપિયા હશે, જેના કારણે આ ટેન્ડરમાં રૂ. 300 કરોડનું નુકસાન થશે.અગાઉ મહાપાલિકા દ્વારા સોંપવામાં આવેલા કામોમાં માટુંગા, ફ્લોરા ફાઉન્ટન અને વરલીનો સમાવેશ થતો હતો. ફ્લોરા ફાઉન્ટન (વિશાલ કન્સ્ટ્રક્શન)માં 70 કરોડની કિંમતની 176 કાર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. કાર દીઠ પાર્કિંગની કિંમત 39.77 લાખ રૂપિયા છે.
કાર્યવાહી કરવી જરૂરી:
અનિલ ગલગલીના જણાવ્યા મુજબ, ટેન્ડર બહાર પાડતી વખતે પ્રશાસન દ્વારા કિંમતનું મૂલ્યાંકન યોગ્ય રીતે કરવામાં આવ્યું ન હતું. દરોનું કોઈ વિશ્લેષણ કરવામાં આવ્યું ન હતું. અધિકારીઓ મહાપાલિકાનો પગાર લઈ રહ્યા છે અને કોન્ટ્રાક્ટરની તરફેણમાં ટેન્ડરના ભાવમાં ધરખમ વધારો કરીને મુંબઈગરાના પૈસાની ઉચાપત કરી રહ્યા છે. અનિલ ગલગલીએ કહ્યું છે કે, આવા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે તો ભવિષ્યમાં આવું કામ કોઈ નહીં કરે.