Saturday, February 03, 2024

RTI કરી શાળા સંચાલકોનો તોડ કરનારા મહેન્દ્ર પટેલની ધરપકડ

નવગુજરાત સમય: અમદાવાદ: Saturday, 3rd Feb 2024.
જય અંબે વિદ્યાભવન નામની ઉચ્ચતર માધ્યમિક શાળાના ટ્રસ્ટીને ધાક ધમકી આપી 66 લાખ રૂપિયાનો તોડ કર્યોઃ 18 સંચાલકો ભોગ બન્યાનું ખૂલ્યું
શૈક્ષણિક સંસ્થાઓને મંજૂરી આપવાના બહાના હેઠળ શાળા સંચાલકો પાસેથી પણ ગાંધીનગરનો મહેન્દ્ર પટેલ લાખો રૂપિયા પડાવી લેતો હતો
.
અન્ય કોઈપણ વ્યક્તિ મહેન્દ્ર પટેલનો ભોગ બન્યા હોય તેવા લોકો CID ક્રાઇમને જાણ કરે તેવી અપીલ કરાઈ
ગુજરાતની વિવિધ શૈક્ષણિક સંસ્થાની વિરુદ્ધમાં RTI કરીને વિગતો મેળવીને ટ્રસ્ટી અને શાળા સંચાલકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેનાર ૫૭ વર્ષીય મહેન્દ્ર પટેલની CID ક્રાઈમે ધરપકડ કરી લીધી છે. મહેન્દ્ર પટેલ 18 જેટલા શાળા સંચાલકોનો તોડ કર્યો હોવાનું ખૂલ્યું છે. તપાસ કરી રહેલી એજન્સી દાવો કરી રહી છે કે, આરોપી વિરુદ્ધ ઘણા મજબૂત પુરાવા હાથ લાગ્યા છે. બીજી તરફ અન્ય કોઈપણ વ્યક્તિ મહેન્દ્ર પટેલનો ભોગ બન્યા હોય તેવા લોકો CID ક્રાઇમને જાણ કરે તેવી અપીલ પણ કરવામાં આવી છે. શાળાઓ વિરુદ્ધમાં RTI કરીને સંચાલક તથા ટ્રસ્ટીને દમ મારીને તે લોકો પાસેથી મોટી રકમ વસૂલવાનો ધંધો મહેન્દ્ર પટેલ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જય અંબે વિદ્યાભવન નામની ઉચ્ચતર માધ્યમિક શાળામાં સંચાલન કરતા ટ્રસ્ટીને ધાક ધમકી આપી 66 લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાનો બનાવ સામે આવી ચૂક્યો છે.
શૈક્ષણિક સંસ્થાઓને મંજૂરી આપવાના બહાના હેઠળ શાળા સંચાલકો પાસેથી મહેન્દ્ર પટેલ લાખો રૂપિયા પડાવી લેતો હતો. બાદમાં હંગામી મંજૂરી મળી છે, હવે કાયમી મંજૂરી જોઈતી હોય તો બીજા રૂપિયા આપવા પડશે તેમ કહીને વધુ રૂપિયાનો તોડ કરતો હતો. સુરતના એક શાળા સંચાલક પાસેથી આ જ પ્રકારે રૂ.66 લાખનો તોડ કર્યો હતો. જે બાદ મહેન્દ્ર પટેલ વિરુદ્ધ ગાંધીનગર CID ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ હતી.
અત્યાર સુધીમાં મહેન્દ્ર પટેલ વિરુદ્ધ કુલ ચાર ફરિયાદ નોંધાઈ ચૂકી છે. સીઆઈડી ક્રાઈમે મહેન્દ્ર પટેલની ધરપકડ કર્યા બાદ તેના ઘરમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું. ત્યારે ઘરમાં ૪૦૦ જેટલા દસ્તાવેજો અને રોકડા રૂપિયા દોઢ કરોડ પણ મળી આવ્યા હતા. ૩૧ જાન્યુઆરીના રોજ સુરતમાં રહેતા વૃદ્ધે CID ક્રાઈમમાં નોંધાવેલી ફરિયાદના અનુસાર વર્ષ ૨૦૨૨માં સ્મૃતિ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રમુખ વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની કામ ચલાઉ માન્યતા મેળવવા વર્ષ ૨૦૨૧માં સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસમાં અરજી કરી હતી. પરંતુ કોઇ કારણોસર અરજી રિજેક્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા જ મહિને શાળા શરૂ કરનાર મહેન્દ્ર પટેલ સાથે સંપર્ક થયો હતો. રૂ. 8 લાખમાં શાળાની મંજૂરી લાવી આપશે તેવી બાંહેધરી આપી હતી. મંજૂરી મળે નહીં તો રૂપિયા પાછા આપી દેવાના તેવી વાત પણ થઇ હતી. શાળાને મંજૂરી નહીં મળતાં મહેન્દ્ર પટેલે રૂપિયા પણ પાછા આપ્યા નહોતા. આ અંગે CID ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. તેવી જ રીતે સુરતમાં બીજા એક શાળા સંચાલકને મંજૂરી અપાવી દેવાની વાત કરીને વર્ષ ૨૦૧૫માં રૂપિયા 39 લાખ ખંખેરી લીધા હોવાનું પણ પોલીસે ચોપડે નોંધાઈ ચૂક્યા છે.
RTIના ઓથા હેઠળ શાળા સંચાલકો પાસેથી તોડ કરનારા મહેન્દ્ર પટેલ હાલ CID ક્રાઈમના ગિરફતમાં આવી ગયો છે. શાળાની પરવાનગી કેવી રીતે મેળવવી તેની તમામ આંટીઘૂટીના જાણીતો હોવાથી જે કોઈપણ વ્યક્તિને નવી શાળા શરૂ કરવી હોય તેવા લોકોનો સંપર્ક કરીને તેમને મંજૂરી અપાવતો હતો. ઉપરાંત એવી શાળા જે સરકારી નિયમોનો થોડો ઘણો ભંગ કરતા હોય તેવા સંચાલકો વિરુદ્ધ RTI કરીને રૂપિયા પડાવી લેતો હતો. આ બંને મુખ્ય મોડેસ ઓપરેન્ડીથી શૈક્ષણિક જગતમાં કામ કરનારા લોકો પાસેથી રૂપિયા વસૂલ તો હોવાની ફરિયાદો મળી રહી હતી. જેના આધારે CID ક્રાઈમે ફરિયાદ નોંધીને મહેન્દ્ર પટેલની ધરપકડ કરી લીધી છે.
ગાંધીનગર મારી ઓફિસે આવવું પડશે તેમ કહીને નિવાસ સ્થાને બોલાવતો
જે કોઈપણ વ્યક્તિ શાળા શરૂ કરવા માટે ઓનલાઇન અરજી કરે તેના થોડા જ દિવસોમાં અરજદારની તમામ માહિતી મહેન્દ્ર પટેલ પાસે પહોંચી જતી હતી. બીજા દિવસે મહેન્દ્ર પટેલ સફેદ કલરની ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડી લઈને અરજી કરનાર પાસે પહોંચી જતો અને ગાંધીનગર મારી ઓફિસે આવવું પડશે તેમ કહીને ગાંધીનગર સેક્ટર-7 ડીમાં આવેલા પોતાના નિવાસસ્થાને બોલાવતો હતો. શાળાની મંજૂરી મેળવવી હોય તો રૂ.૧૦ લાખ આપવા પડશે તેમ કહીને રૂપિયાની માગણી કરતો હતો. હંગામી મંજૂરી મેળવવાના ૩થી 8 લાખ લેતો હતો બાદમાં કાયમી મંજૂરી અપાવવાના ૧૦થી ૨૦ લાખ રૂપિયા મહેન્દ્ર પટેલ પડાવતો હતો.
મહેન્દ્ર પટેલના અન્ય રોકાણ ક્યાં-ક્યાં છે
તોડબાજ મહેન્દ્ર પટેલની ધરપકડ થયા બાદ તપાસ એજન્સી ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 400 જેટલી ફાઈલ મળી આવી હતી. ઉપરાંત બીજા અન્ય દસ્તાવેજી પુરાવાઓ પણ મળી આવ્યા હતા અને રોકડા દોઢ કરોડ રૂપિયા મળી આવ્યા. હવે CID ક્રાઈમ મહેન્દ્ર પટેલના અન્ય રોકાણો ક્યા કરેલા છે. તેની પણ તપાસ હાથ ધરી રહી છે.