Friday, April 15, 2016

વિકલાંગોના અધિકાર માટે RTIને શસ્ત્ર બનાવી લડત, 80થી વધુ RTI કરી સરકારી -ખાનગી ઈમારતોમાં વિકલાંગો માટે રેમ્પ, પાર્કિંગ તેમજ ટોઈલેટની સુવિધા ઊભી કરાવી.

ભાસ્કર ન્યૂઝ: અમદાવાદ: Friday, April 15, 2016.
દેશભરનાવિકલાંગોના અધિકારો માટે આરટીઆઈને શસ્ત્ર બનાવી અમદાવાદના સૂરસિંહ જવાનસિંહ સોલંકીએ ભારતભરની દરેક બિલ્ડિંગને 'બેરિયર ફ્રી' બનાવવાની એક અનોખી લડત આદરી છે. 'બેરિયર ફ્રી બિલ્ડિંગ' હેઠળ વિકલાંગોની પ્રાથમિક સુવિધા માટે લડત લડી રહેલા સૂરસિંહ સોલંકીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, 'એક સામાન્ય માણસ માટે એક પગથિયું ચઢવું તે રોજિંદી પ્રક્રિયા હોઈ શકે, પરંતુ એક વિકલાંગ માટે પગથિયું રોજબરોજ એક પહાડ ચઢવા જેવું મુશ્કેલ બનતું હોય છે.' સમાજમાં વિકલાંગોને 'બિચારો' સમજવામાં આવે છે, પરંતુ વિકલાંગના પણ પોતાના બંધારણીય હક હોય છે. જેમાં એક હક બેરિયર ફ્રી બિલ્ડિંગ' પણ છે. સરકારી કે બિનસરકારી ઈમારતો બાંધતી વખતે તેને બેરિયર ફ્રી બનાવવામાં નથી આવતી. જેથી કોઈ વિકલાંગ બિલ્ડિંગમાં પ્રવેશવા જાય તો તેના માટે અલગથી પાર્કિંગ, રેમ્પ તેમજ ટોઈલેટ સુધીની સુવિધાઓ હોવાથી એક વિકલાંગને ઘણી મુસીબત થતી હોય છે. બધી મુસીબતોનો હું સામનો કરી ચૂક્યો છું, જેથી ભારતભરમાં દરેક બિલ્ડિંગ 'બેરિયર ફ્રી' હોય તે મારું સ્વપ્ન છે.
સૂરસિંહ સોલંકીએ પોતાની લડતની શરૂઆત કેવી રીતે થઈ તે અંગે વાત કરતા જણાવ્યું કે, મારી યુવાનીના દિવસોમાં હું સુરત નોકરી કરતો હતો, ત્યારે એક હોટલમાં હું મારા પરિવાર સાથે જમવા માટે ગયો, ત્યાં એક ઊંચા પગથિયાએ મારા માટે હોટલમાં પ્રવેશવું અતિમુશ્કેલ બનાવી દીધું હતું.
જોકે જેમતેમ કરીને હું ચઢી તો ગયો જોકે હોટલના મેનેજરને મેં એક રીકવેસ્ટ કરી કે ભાઈ વિકલાંગો માટે હોટલમાં પ્રવેશવા માટે તમારે રેમ્પ જેવી વ્યવસ્થા કરવી જોઈએ, પછી થોડાક દિવસો બાદ હું ત્યાંથી પસાર થયો તો ત્યાં હોટલના માલિકે એક રેમ્પ બનાવ્યો હતો. જોઈ મને હિંમત આવી અને ત્યાર થી હું સુરત, વડોદરા કે અમદાવાદ જ્યાં પણ નોકરી કરી ત્યાંની સરકારી અને બિનસરકારી ઈમારતોમાં કે જ્યાં વિકલાંગો માટે પ્રાથમિક સુવિધા હોય તે માટે લડત લડી રહ્યો છું.
સૂરસિંહના જણાવ્યા અનુસાર, તેઓએ 10 વર્ષ પહેલા ઝુંબેશ હાથ ધરી ત્યારે જે ઈમારતોમાં વિકલાંગો માટે સુવિધા હોય તેવી ઈમારતો શોધી તેના માલિક કે કર્તાહર્તાને તે અંગે જાણ કરી સુવિધા ઊભી કરાવતા હતા. જોકે તે બાદ સૂરસિંહે આરટીઆઈનો સહારો લઈ કેટલી સરકારી ઈમારતો 'બેરિયર ફ્રી' નથી તેની જાણકારી મેળવી જે તે સરકારી ઈમારતોમાં બેસતા અધિકારીઓને ઈમારતોમાં વિકલાંગો માટે રેમ્પ, પાર્કિંગ અને ટોઈલેટ જેવી વ્યવસ્થાઓ ઊભી કરવાતા રહ્યાં. પોતાની જીદના કારણે સૂરસિંહ સોલંકીએ છેલ્લા 10 વર્ષમાં 80 જેટલી આરટીઆઈ કરી ગુજરાત યુનિ. વડોદરા રેલવે સ્ટેશનમાં વિકલાંગો માટે પાર્કિંગ, આરબીઆઈ દ્વારા દરેક પ્રાઈવેટ કે સરકારી બેંક અને એટીએમમાં પ્રવેશવા માટે રેમ્પ, અમદાવાદના શિવરંજની સોસાયટીમાં આવેલા એક મંદિરમાં પ્રવેશવા માટે રેમ્પ સહિત 100 થી વધુ સરકારી અને બિનસરકારી ઈમારતો તેમજ મંદિરોને 'બેરિયર ફ્રી' બનાવડાવી પોતાનો શ્રમયજ્ઞ ચાલુ રાખ્યો છે.