સંદેશ: નવી દિલ્હી: Tuesday,
June 04, 2013.
રાજકીય ક્ષેત્રે
સિમાચિહ્નરૃપ ચુકાદો આપતાં કેન્દ્રીય માહિતીપંચે સોમવારે ઠરાવ્યું હતું કે માહિતી
અધિકારના કાયદા હેઠળ જવાબ આપવા રાજકીય પક્ષો બંધાયેલા છે. મુખ્ય માહિતી કમિશનર
સત્યનંદ મિશ્રા, માહિતી કમિશનર એમ. એલ.
શર્મા અને અન્નપૂર્ણા દીક્ષિત સહિત છ માહિતી કમિશનરની બેન્ચે ઠરાવ્યું હતું કે, કોંગ્રેસ, ભાજપ, સીપીઆઈ(એમ), સીપીઆઈ, એનસીપી અને બીએસપી માહિતી અધિકારના કાયદા હેઠળ જાહેર
સત્તામંડળના નિર્ધારિત માપદંડો પરિપૂર્ણ કરે છે.
કેન્દ્રીય માહિતીપંચની
બેન્ચે આદેશ આપતાં જણાવ્યું હતું કે, આગામી છ અઠવાડિયાં સુધીમાં તમામ રાજકીય પક્ષો તેમના
વડામથકે મુખ્ય જાહેર માહિતી અધિકારી અને એપલેટ અધિકારીની નિમણૂક કરે. આ મુખ્ય
જાહેર માહિતી અધિકારીઓએ તેમને આરટીઆઈ હેઠળ પુછાયેલા સવાલોનો ચાર અઠવાડિયાની અંદર
જવાબ આપવાનો રહેશે. વધુમાં કેન્દ્રીય માહિતીપંચે ઉપરોક્ત રાજકીય પક્ષોને માહિતી
અધિકારના કાયદા હેઠળ ફરજિયાત 'પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર' રાખવા પડશે અને તેની માહિતી તેમની વેબસાઇટ પર
પ્રસિદ્ધ કરવી પડશે.
કેન્દ્રીય માહિતી પંચનો
આદેશ : કોંગ્રેસ, ભાજપ, સીપીઆઈ(એમ), સીપીઆઈ, એનસીપી, બીએસપી માહિતી આપવા બંધાયેલા છે.
જાહેર માહિતીપંચ આ
ચુકાદો એસોશિયેશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સના કાર્યકર્તા સુભાષ અગ્રવાલ અને અનિલ
બૈરવાલે દાખલ કરેલી આરટીઆઇની અરજીનાં અનુસંધાનમાં ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો, તેમણે છ રાજકીય પક્ષોના નાણાકીય સ્રોત અને
તેમને મળતાં સ્વૈચ્છિક અનુદાન અંગે માહિતી માગી હતી, ઉપરાંત આરટીઆઇ હેઠળ રાજકીય પક્ષોને નાણાકીય દાન આપતા
દાતાઓનાં નામ અને સરનામાં સહિત અન્ય વિગતો પણ માગી હતી, જોકે પોતે આરટીઆઇના કાયદા હેઠળ આવતા ન હોવાનું
જણાવીને રાજકીય પક્ષોએ માહિતી પૂરી પાડવાનો ઇનકાર કરી દીધો હતો.
આ પ્રશ્ન અંગે હાથ
ધરાયેલી સુનાવણી દરમિયાન અરજકર્તા બેરાવાલે ત્રણ મુખ્ય દલીલો કરી હતી, તેમણે જણાવ્યું હતું કે, તમામ રાજકીય પક્ષો કેન્દ્ર સરકાર તરફથી આડકતરી
રીતે નોંધપાત્ર નાણાકીય મદદ મેળવે છે, તેઓ રાજકીય ફરજ નિભાવે છે તથા બંધારણીય અને કાનૂની
જોગવાઇઓ તેમની કેટલીક ફરજો અને જવાબદારીઓ નિર્ધારિત કરે છે, આ ઉપરાંત અરજકર્તાએ જણાવ્યું હતું કે, દિલ્હીનાં કેટલાંક મહત્ત્વનાં સ્થળોએ અસંખ્ય
જમીનો રાજકીય પક્ષોને ખૂબ જ નજીવી કિંમતે અપાઈ રહી છે, આ ઉપરાંત સરકાર પણ રાજકીય પક્ષોને જમીન ખૂબ જ
નીચા ભાવે આપે છે, જે તેમને મળતી સરકારી નાણાકીય મદદ જ ગણાવી જોઇએ.
બીજી તરફ કેન્દ્રીય માહિતીપંચની બેન્ચે જણાવ્યું હતું કે, રાજકીય પક્ષોને આવકવેરામાંથી મુક્તિ અપાય છે
અને ચૂંટણી વખતે ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન ઉપર તેમને મફતમાં એરટાઇમ
ફાળવવામાં આવે છે.
આ બાબતને સરકાર તરફથી
મળતી આડકતરી નાણાકીય મદદ જ ગણી શકાય. બેન્ચે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ, ભાજપ, સીપીઆઇ(એમ), સીપીઆઇ, એનસીપી અને બીએસપી કેન્દ્ર સરકારની નોંધપાત્ર
નાણાકીય મદદ મેળવે છે અને તેથી તેઓ માહિતી અધિકાર કાયદાની કલમ ૨(એચ) હેઠળ જાહેર
સત્તામંડળ જ છે.
ખંડપીઠે વધુમાં
જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે પણ તેના આદેશમાં ઠરાવ્યું હતું કે, ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા કરવામાં
આવતા ખર્ચના મુખ્ય સ્રોતની જાણકારી મેળવવાનો ભારતના નાગરિકોને અધિકાર છે.
કેન્દ્રીય માહિતીપંચે ઠરાવ્યું હતું કે, સુપ્રીમનો ચુકાદો પણ રાજકીય પક્ષોની કામગીરીમાં ઉચ્ચ
કક્ષાની પારર્દિશતા લાવવા માગે છે.
રાજકીય પક્ષોએ
કેવી-કેવી માહિતી આપવી પડશે?
1.
પક્ષને દાન આપતાં
દાતાઓના નામ-સરનામા અંગેની માહિતી.
2.
પક્ષની આવક-જાવક અંગેની
વિગતવાર માહિતી.
3.
સરકાર પાસે પ્રાપ્ત થતી
આર્થિક સહાય અને જમીનની માહિતી.
4.
વહીવટમાં લેવાતા
નિર્ણયની પાછળ જવાબદાર કારણોની માહિતી.
5.
ચૂંટણી દરમિયાન રાજકીય
પક્ષો દ્વારા થતા તમામ ખર્ચની વિગતો.
કેન્દ્રીય માહિતીપંચના
ચુકાદાની અસર :
· રાજકીય પક્ષોએ વડામથકે
જાહેર માહિતી અધિકારી અને એપલેટ અધિકારીની નિમણૂક કરવી પડશે
·
આરટીઆઈની અરજીનો ચાર
અઠવાડિયામાં જવાબ આપવો પડશે.
·
પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર
તૈયાર કરવું પડશે.
·
તમામ માહિતી તેમની
વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવી પડશે.
·
રાજકીય પક્ષો આરટીઆઈ
હેઠળ આવતા હોવાનાં કારણો
·
તેમને આવકવેરામાંથી
મુક્તિ અપાય છે.
·
કેન્દ્ર સરકાર તરફથી
આડકતરી રીતે નોંધપાત્ર આર્થિક મદદ મેળવે છે.
·
ચૂંટણી વખતે ઓલ ઇન્ડિયા
રેડિયો, દૂરદર્શન પર મફતમાં
એરટાઇમ મેળવે છે.
રાજકીય પક્ષો પાસે
વિકલ્પ:
કેન્દ્રીય માહિતી પંચના
ચુકાદાનો સ્વીકાર કરીને તેમને માહિતી આપવી પડશે અથવા પંચના ચુકાદાને કોર્ટમાં
પડકારવો પડશે.