સીબીઆઇને આરટીઆઇ એક્ટમાંથી મુક્ત રાખવાના સરકારના વિવાદાસ્પદ નિર્ણય સામે આજે મદ્રાસ હાઇકોર્ટમાં પડકાર કરવામાં આવ્યો છે જેથી હાઇકોર્ટે આ પીઆઇએલના સંદર્ભે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે.
મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી એમ. વાય. ઇકબાલ અને ન્યાયમૂર્તિ શ્રી ટી. એસ શિવજ્ઞાનમની બનેલી બેન્ચે પાઠવેલી આ નોટીસ દ્વારા સોલીસીટર જનરલને જણાવ્યું છે કે, તેમણે તાજેતરમાં પ્રસિદ્ધ કરાયેલા નોટિફીકેશનનો બંધારણની દ્રષ્ટિએ નિરર્થક જાહેર કરવા અંગેની આ પીઆઇએલ સંદર્ભે ત્રણ સપ્તાહમાં જવાબ આપવો.
મદ્રાસ હાઇકોર્ટમાં આ અરજી (પીઆઇએલ) કરનાર, આર.ટી.આઇ. કાર્યકર્તા એસ. વિજયાલક્ષ્મીએ કેન્દ્ર સરકારના ૯મી જૂનના નોટિફિકેશન કે જેમા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ)ને સેન્ટ્રલ એક્ટ ઓફ ૨૦૦૫ (રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ)માંથી મુક્ત રાખવાને પડકાર્યો છે.
આ અરજી છતાં કોર્ટે તે નોટિફિકેશન ઉપર સ્ટે આપવા ઇન્કાર કર્યો છે. (જે અંગે પીટીશનરે માંગણી પણ કરી હતી.) અને આ અંગે ત્રણ સપ્તાહ પછી સુનાવણી હાથ ધરવામાં આવશે તેમ બંને પક્ષોને જણાવી દીઘું છે.
સરકારના આ નોટિફિકેશન (જાહેરનામા) અંગે સભ્ય સમાજના અનેક સભ્યોએ ઉગ્ર ટીકાઓ પણ કરી છે તેટલું જ પરંતુ ભારતના સૌથી પહેલા મુખ્ય માહિતી આયુક્ત ચીફ ઇન્ફર્મેશન કમિશ્નર વજાહત હબીબુલ્લાહે પણ તેની ટીકા કરી છે.
આ અરજી કરનારે તેમની અરજીમાં વઘુમાં જણાવ્યું છ કે, કોમનવેલ્થ ગેઇમ્સ, ૨-જી વિતરણ સહિત અન્ય કૌભાંડો અને લોકપાલ આંદોલનની દ્રષ્ટિએ કેન્દ્ર ભ્રષ્ટાચાર સામેના યુદ્ધમાં થથરી ગઈ છે અને સુકાન વિનાની બની રહી છે.
કેન્દ્ર સરકારે દુષ્ટ હેતુઓ માટે જ આ બધા ખોટા કામ છુપાવવા આરટીઆઇ કાયદાની કલમ ૨૪નો આશ્રય લઈ સીબીઆઇ ઉપર આંચળો ઓઢાડી તેને આરટીઆઇમાંથી સંપૂર્ણ મુક્તિ આપવા નિર્ણય લીધો છે તેમ પણ આ અરજીમાં કહેવામાં આવ્યું છે અને વઘુમાં જણાવવામાં આવ્યું છે કે વાસ્તવમાં સેક્રેટરીઝની કમિટીની થોડા સમય પૂર્વે મળેલી બેઠકમાં સી.બી.આઇ.ને આરટીઆઇ એક્ટમાંથી બાકાત રાખવાના સરકારના નિર્ણય સાથે અસંમતિ પણ દર્શાવી હતી. આથી સરકારે આરટીઆઇ એક્ટ સંબંધી તમામ ફાઇલો રજૂ કરવી જોઈએ તેમ પણ અરજદારે (પીટીશનરે) તેમની અરજીમાં જણાવ્યું છે. |