Bhaskar News, Rapar; Tuesday, February 22, 2011,
રાપરમાં પોતાની જમીનની માહિતી ન મળતાં પોલીસની હાજરીમાં લીધું આત્યંતિક પગલું
મામલતદાર કચેરીના પ્રાંગણમાં જાતે કેરોસીન છાંટીને ભડભડ સળગ્યો:
એક તરફ મુંબઇના આદર્શ ફ્લેટના કૌભાંડને બહાર લાવનાર આરટીઆઇ એક્ટિવિસ્ટને મોતની ધમકીઓ મળી રહી છે. ત્યારે કચ્છના રાપર તાલુકામાં પોતાની વડીલોપાર્જીત જમીન અંગે માહિતી અધિકાર હેઠળ માગેલી માહિતી ન મળતા એક આરટીઆઇ એક્ટિવિસ્ટે સોમવારે ખુલતી કચેરીએ જ રાપર મામલતદાર ઓફિસના પ્રાંગણમાં જાતે કેરોસીન છાંટીને આત્મ વિલોપન કરતા ચકચાર મચી ગઇ હતી. તંત્ર અને પોલીસને અગાઉથી લેખિતમાં મરનાર એક્ટિવીસ્ટે જાણ કરી હોવા છતાં તંત્રના કોઇપણ અધિકારી આ હિચકારી ઘટનાને અટકાવી શક્યા ન હતા ઉલટાનું જ્યારે આ સામાજિક કાર્યકર કચેરીના ગેઇટ સામે આગની લપેટોમાં લેપટાયા હતા ત્યારે મામલતદાર પાછલે બારણે પાંચ ફૂટ ઉંચી દીવાલ કૂદીને ભાગી ગયા હતા.
પોતાના વડીલોપાર્જિત ૪૦૦ એકર જમીનના જરૂરી આધાર પુરાવા માટે રાપર તાલુકાના મૂળ લોદ્રાણી ગામના ૪૫ વર્ષીય જબ્બરદાર કેશવદાન ગઢવી છેલ્લા બે વર્ષથી ડાવરી ગ્રામ પંચાયતના તલાટીથી માંડીને રાપરના મામલતદાર સહિત ભુજની કલેક્ટર કચેરી સુધી ધક્કા ખાઇ ગયા હતા. રાઇટ ટુ ઇર્ન્ફમેશનના એક્ટને ઘોળીને પી જનાર દાવરી ગ્રામ પંચાયતના તલાટી સામે તેમણે રાપર મામલતદાર સમક્ષ અપીલ કરી હતી.
અપીલમાં આવેલા ચૂકાદા મુજબ તલાટીએ બે દિવસમાં માહિતી અધિકાર હેઠળ માગેલી ઇર્ન્ફમેશન જબ્બરદાન ગઢવીને આપવાની હતી પરંતુ અગાઉ ચાલતું આવ્યું હતું તેમ ફરી એકવાર ભ્રષ્ટાચારથી ખરડાયેલા નિંભર તંત્રે માહિતી પૂરી ન પાડતા આ આરટીઆઇ એક્ટિવિસ્ટે ઉપવાસ ઉપર ઉતરીને છેવટે ૨૧મી ફેબ્રુઆરીના સવારે આત્મવિલોપન કરવાની લેખિતમાં ચીમકી આપી હતી.
લેખિતમાં પત્ર મળ્યો હોવા છતાં સંવેદના ખોઇ ચૂકેલા જાડી ચામડીના તંત્રના એક પણ અધિકારીએ જબ્બરદાનની આ ચીમકીને ગંભીરતાથી લીધી ન હતી. ઉલટાનું જ્યારે માહિતી અધિકારના આ ચળવળકાર સોમવારે સવારે રાપરના મામલતદાર અનિરુદ્ધસિંહ ઝાલા સમક્ષ ગયા તો તેમણે ‘મરવું હોય તો મર મારે શું’ તેમ કહ્યું હતું બસ પછી તો, આ એક્ટિવિસ્ટે પોતાના શરીર ઉપર કેરોસીન રેડીને આગ લગાવી દેતા જોત જોતામાં આખું શરીર બળીને ભડથું થઇ ગયું હતું.
૯૮ ટકાથી પણ વધારે દાઝી જવાને કારણે માહિતી અધિકારની મશાલ લઇને અજવાળું કરવા નીકળેલા જબ્બરદાન ગઢવીનો જીવનદીપ લોકશાહીના પગથિયા સમા મામલતદાર કચેરીના પ્રાંગણમાં જ બૂઝાઇ ગયો હતો. જબ્બરદાનના આત્મ વિલોપનની ખબર આગની જવાળાઓની જેમ રાપરમાં ફેલાઇ જતાં લોકોના ટોળે ટોળાં કચેરીને ઘેરી વળ્યા હતા અને છેવટે પુણ્યપ્રકોપ ભભૂકી ઉઠતાં મામલતદાર કચેરી લોકોના રોષનો ભોગ બની હતી.
પથ્થરોથી લોકોએ કચેરીના બારી બારણાના કાંચ તોડી નાખ્યા હતા. પરિસ્થિતિને કાબૂ બહાર જતી જોઇને ઓફિસમાં છુપાઇને બેઠેલા અધિકારીઓ અને કર્મચારીઓએ તેમના ઉચ્ચ અધિકારીઓને આ અંગે જાણ કરતાં ભચાઉના ડીવાયએસપી, એ.એ. ખાન સહિત પૂર્વ કચ્છના એસપી ચિરાગ કોરડિયા, અંજાર પ્રાંત કચેરીના મદદનીશ કલેક્ટર રણજીતસિંહનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બપોર બાદ જિલ્લા કલેક્ટર એમ. થેન્નારસન પણ રાપર દોડી ગયા હતા.
અચાનક સરકાર જાગી:
બે વર્ષથી પણ વધુ સમયથી પોતાના હક્ક માટે આરટીઆઇ હેઠળ માહિતી માગનાર જબ્બરદાન ગઢવીએ તંત્રને વિવિધ કક્ષાએ રજૂઆત કરવા છતાં જેમના પેટનું પાણી પણ હલ્યું ન હતું તેવા અમલદારો અને સરકારના પ્રતિનિધિઓ લાલ લાઇટ વાળી કારમાં ઘટના બન્યાના સમાચાર બાદ રાપર દોડી ગયા હતા. આટલી જ સતર્કતા જો ગઢવીના પત્રોને ધ્યાનમાં લઇને લીધી હોત તો કદાચ માહિતી અધિકારની મશાલ લઇને ભષ્ટાચારરૂપી અંધકારને દૂર કરવા માટે નીકળેલા ગઢવીનો જીવનદીપ ન બૂઝાયો હોત.
ખાસ ફરજ પરના ચાર પોલીસ સામે જ કેરોસીન છાંટીને સળગ્યા:
જબ્બરદાન ગઢવી પોતાના ઘેરથી પીળા રંગના ડબલાંમાં કેરોસીન ભરીને લાવ્યો હતો અને મામલતદાર કચેરીમાં મામલતદાર તેમજ આપઘાતને અટકાવવા ખાસ મુકાયેલા રાપર પોલીસના ચાર કર્મચારીઓની નજર સામે જ યુવાને પોતાના શરીરે કેરોસીન છાંટી લીધું હતું અને તે ભડભડ સળગી ગયો હતો. ઘટના સમયે રહેલા પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવા પૂર્વ કચ્છના પોલીસ વડાએ તજવીજ હાથ ધરી હતી.
કઇ માહિતી માંગી હતી ?:
રાપર તાલુકાના ડાવરી ગામે આવેલી પોતાના વડીલોપાર્જિત ૪૦૦ એકર જમીન અંગે જબ્બરદાને ૭/૧૨, ૮(અ) અને હક્કપત્ર જેવા મફતમાં મળે તેવા દસ્તાવેજો માટે આરટીઆઇનો સહારો લેવો પડ્યો હતો. તલાટી અને મામલતદાર કચેરી દ્વારા માહિતી અધિકાર હેઠળ પણ યોગ્ય પ્રત્યુત્તર ન મળતા છેવટે ગઢવીએ આત્મવિલોપન કર્યું હતું.
