Monday, December 20, 2010

એન્કાઉન્ટરની વિગત RTI હેઠળ નહીં મળે

Sandesh; Leading Gujarati Daily; Monday, December 20, 2010,
અમદાવાદ, તા.૧૯
શોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં એક પછી એક વમળો સર્જાઈ રહ્યા છે તેવામાં લતીફના એન્કાઉન્ટર પાછળનું રહસ્ય માહિતી અધિકાર ધારા મારફતે પણ ખુલ્લું ન પડે તેની જાણે ખાસ તકેદારી લેવાતી હોય તેમ આ અંગે માંગવામાં આવેલી એકપણ વિગત જાહેર કરવાનો ઈનકાર કરવામાં આવ્યો છે. આરટીઆઈ હેઠળ પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવાનો ઈનકાર કરતાં ઠેઠ ૨૦૦૫માં રાજ્ય સરકારે બહાર પાડેલું જાહેરનામું આગળ ધરી દેવાયું હતું.
ઈસનપુરના વિશાલનગર ખાતે રહેતા અતુલ દવેએ તાજેતરમાં જ માહિતી અધિકાર ધારા હેઠળ અમદાવાદના કુખ્યાત ડોન અબ્દુલ લતીફ વહાબના એન્કાઉન્ટર સંદર્ભે સાત સવાલો રજૂ કરી તેની વિગતો માંગી હતી. ૨૯મી જુલાઈ- ૨૦૧૦ના દિવસે આ અંગે કરેલી અરજીનો અસાધારણ ઝડપે ૬ ઓગષ્ટ- ૨૦૧૦ના દિવસે તો નકાર કરતો જવાબ પણ આવી ગયો. જવાબમાં જણાવાયું હતું કે, ગૃહ વિભાગના ૨૫-૧૦-૨૦૦૫ના એક જાહેરનામા અન્વયે આ પ્રકારની માહિતી આરટીઆઈ એક્ટ હેઠળ આપવાનો પ્રતિબંધ ફરમાવ્યો છે.
લતીફ એન્કાઉન્ટરની વિગતો માંગતા જાહેરનામું ધરી દેવાયું;
વાસ્તવિકતા તો એ છે કે, આ જાહેરનામામાં કાયદો અને વ્યવસ્થાના સંદર્ભે ગુનાની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી અને આવી અન્ય શાખાઓને આ કાયદામાંથી બાકાત રાખવામાં આવી છે. આ અંગે આરટીઆઈ એક્ટિવિસ્ટની દલીલ છે કે, જાહેરનામામાં સ્પષ્ટ જણાવ્યું છે કે, જે ગુનાની તપાસ ચાલી રહી હોય તેવા કેસમાં માહિતી જાહેર થઈ ન શકે. પરંતુ, લતીફના એન્કાઉન્ટરનો કેસ તો ક્યારનો ય બંધ કરી દેવાયો છે. વળી, રાષ્ટ્રહિતના સંદર્ભમાં ગોપનીય રાખવી પડતી માહિતી આ કાયદા હેઠળ જાહેર ન કરી શકાય તે સ્વાભાવિક છે. પરંતુ લતીફના એન્કાઉન્ટર જેવા મામલે પાંચ વર્ષ જુના જાહેરનામાને આગળ ધરી તેની માહિતી ન આપવા પાછળનો શું હેતુ હોઈ શકે તે વિષે અનેક તર્ક વહેતા થયા હતા. અલબત્ત, આ મુદ્દે અરજદારને અપીલમાં જવાનો વિકલ્પ ખુલ્લો હોવાથી હજુ તમામ દ્વાર બંધ થયા નથી. વળી, જે રીતે માહિતી કમિશનરે પ્રતિભાવ આપ્યો છે તે જોતાં અપીલ કરવાથી આ મામલે વધુ માહિતી મેળવવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
મેં વિગતો અપાવી છેઃ માહિતી કમિશનર
ક્રાઇમ બ્રાંચ અને અન્ય શાખાઓને રાજ્ય સરકારે જાહેરનામાંથી માહિતી અધિકારના કાયદાથી બાકાત કરી છે. પણ મારી સમક્ષ અપીલમાં આવેલા બે કિસ્સામાં મેં આંકડાકીય વિગતો માહિતી માંગનારને અપાવી છે

લતીફના એન્કાઉન્ટર અંગે પૂછેલા સાત પ્રશ્નો;
  • લતીફનું એન્કાઉન્ટર કયા સ્થળે, કેટલા વાગે અને કયા કારણોસર કરવામાં આવ્યું હતું ?
  • આ એન્કાઉન્ટર વખતે લતીફ કોની કસ્ટડીમાં હતો તેમજ આ સમયે સ્થળ પર કયા કયા અધિકારી હાજર હતા ?
  • એન્કાઉન્ટરના સ્થળે લતીફને કઈ તપાસ માટે લઇ જવાયો હતો ?
  • એન્કાઉન્ટર બાબતે કોઇ તપાસ થઈ હોય તો તે શું છે ?
  • આ વખતે અમદાવાદ પોલીસ કમિશનર તેમજ લતીફ જેની કસ્ટડીમાં હતો તે વિભાગના વડા કોણ હતા ?
  • લતીફને સાબરમતી જેલમાંથી તપાસ માટે લઇ ગયા એ સમયથી એન્કાઉન્ટર થયું તે તારીખ સમય સાથે જણાવો ?
  • લતીફને સાબરમતી જેલમાંથી કયા ગુનાની તપાસ માટે લાવવામાં આવ્યો હતો
આ જાહેરનામું જ ગેરકાયદે ગણાય કેજરીવાલ;
આ જાહેરનામા અંગે પોતાના અનુભવના આધારે પ્રતિભાવ આપતાં દિલ્હીના આરટીઆઈ એક્ટિવિસ્ટ અરવિંદ કેજરીવાલાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આ પ્રકારનુ જાહેરનામું બહાર પાડીને ક્રાઇમ બ્રાંચ અને અન્ય શાખાઓને માહિતી અધિકારના કાયદામાંથી બાકાત કરે તે ગેરકાનૂની ગણાય. જો કોઇ વ્યક્તિ માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી માંગે અને તે માહિતી આપવામાં જાહેરનામાંનો હવાલો આપીને તે માહિતી ન આપવી તે યોગ્ય નથી. જે વ્યકિતને માહિતી ન મળી હોય તેણે આ અંગે કાર્ટના શરણે જવું જોઇએ. મને વિશ્વાસ છે કે કોર્ટ જ આવા જાહેરનામાંને રદ કરી નાખશે.