Wednesday, November 03, 2010

‘કેમિકલ ઇમરજન્સી પ્લાન’ ખોવાઈ ગયો છે !

SANDESH; GUJARATI; Baroda;
વડોદરા,તા.૯;ગુજરાતમાં વડોદરાથી વાપી સુધીના પટ્ટામા કેમિકલ ઉદ્યોગોનો બેફામ વિકાસ થયો છે. આ ઉદ્યોગોમા વપરાતા અને સ્ટોર કરાતા કેમિકલો એટલી હદે ખતરનાક હોય છે કે જો કોઇ દુર્ઘટના બને તો ભોપાલ ગેસ દુર્ઘટના પણ તેની સામે સામાન્ય લાગે. વાત આમ આદમી અને પર્યાવરણની સુરક્ષાને લગતી હોવા છતાં ચોંકાવનારી વાત એ છે કે વિકાસના ગાણા ગાતા ગુજરાત પાસે’કેમિકલ ઇમરજન્સી પ્લાન’ જ નથી.એટલુ જ નહી આટલી ગંભીર બાબતમા પણ સંબંધીત સરકારી ખાતાઓ એક બીજા પર દોષનો ટોપલો ઢોળી જવાબદારીમાથી છટકી રહ્યા છે. શરમજનક તથ્ય એ પણ સામે આવ્યુ છે કે ર૦૦૭માં આરટીઆઈ હેઠળ પૂછાતા કેમિકલ ઈમરજન્સી પ્લાન વિચારાધીન હોવાનું જણાવાયું હતું. પરંતુ ૩ વર્ષના વહાણા વીત્યા બાદ પણ સરકાર કેમિકલ ઈમરજન્સીના નામે ‘પાણીનુ નામ ભૂ ‘પાડી રહી હોય તેવો ઘાટ ઘડાયો છે.
ગુજરાતમાં કેમિકલ ઝોનથી પ્રસિદ્ધ વડોદરાના નંદેસરીથી માંડીને અંકલેશ્વર અને વાપી સુધી કેમિકલ ઉદ્યોગો ફેલાયેલા છે.પરંતુ આ ઉદ્યોગોમા અકસ્માત વેળાએ શું કરવુ તે માટેનો કોઈ ઇમરજન્સી પ્લાન જ તંત્ર પાસે નથી.
તાજેતરમા વડોદરાના એક્ટિવીસ્ટ રોહિત પ્રજાપતિએ માહિતી અધિકાર કાયદાનો ઉપયોગ કરીને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પાસે ‘કેમિકલ ઇમરજન્સી પ્લાન’ની માંગણી કરી હતી. પણ આ સામે ચોંકાવનારો જવાબ મળ્યો હતો. ડિઝાસ્ટર મેનેજમેન્ટે આ પ્રકારની માહિતી તેઓ પાસે ન હોવાનો જવાબ અપાયો હતો. સાથે જણાવાયુ હતુ કે આ માહિતી અમદાવાદ સ્થિત સેફ્ટી એન્ડ હેલ્થ ડીપાર્ટમેન્ટ પાસે હોઇ શકે.
જો કે રોહિત પ્રજાપતી દ્વારા તે જ સમયે સેફ્ટી એન્ડ હેલ્થ ડીપાર્ટમેન્ટના ડાયરેક્ટર પાસે પણ ઈમરજન્સી પ્લાનની માંગણી કરી હતી અને ત્યાંથી જવાબ આવ્યો હતો કે ‘ આ પ્લાન જે તે જિલ્લાની કચેરીમા હોય છે તથા આ કચેરીઓમા તપાસ કરતા અને શોધતા મળી આવેલા નથી. તે જ રીતે કેમિકલ કારખાનાઓના ઓનસાઇટ પ્લાન રેઇની સીઝન માટેના અલગ બનાવવામા આવતા નથી તેથી આ માહિતી ઉપલબ્ધ ન હોવાથી આપી શકાય તેમ નથી’.
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી પાસે ‘કેમિકલ ઇમરજન્સી પ્લાન’ જ નથી અને તેમની દ્રષ્ટિએ તે ડાયરેક્ટર, ઇન્સ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ પાસે હોઇ શકે પરંતુ ડાયરેક્ટર ઇન્સ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ કહે છે કે પ્લાન ખોવાઇ ગયો છે. સવાલ એ થાય છે કે આનાથી મોટુ ડિઝાસ્ટર ક્યુ હોઇ શકે ?
આ ઉપરાંત માહિતી અધિકાર અંતર્ગત કેમિકલ ઇમરજન્સી પ્લાન સંદર્ભે લાગતા વળગતા અધિકારીનુ નામ ફોન નંબર અને લાઈકાત પણ પુછાઇ હતી. જેના પ્રત્યુતર રૃપી માહિતી મળી હતી કે ‘હાલ રાજ્યકક્ષાએ આસી. ડાયરેક્ટર(કેમિકલ) ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થની જગ્યા ખાલી છે. આ જગ્યાનો વધારાનો હવાલો જે.ડી.દેસાઇ આસી.ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ સંભાળે છે’
આ અનુસંધાને ઉપરોક્ત જગ્યા ક્યારથી ખાલી પડી છે અને તેને પુરવા કાર્યવાહીની વિગત મંગાઇ હતી પરંતુ ‘કેમિકલ ઇમરજન્સી પ્લાન’ સંભાળતા ટીમના અધિકારીઓ અને તેમને લગતી વિગતો અપાઇ ન હતી. જેના પરથી નક્કી થાય છે કે ‘કેમિકલ ઇમરજન્સી પ્લાન’ માટે નિષ્ણાતોની કોઇ ટીમ બનાવાઇ જ નથી.
ઉલ્લેખનિય છે કે રોહિત પ્રજાપતિ દ્વારા ૨૦૦૭મા પણ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પાસે ‘કેમિકલ ઇમરજન્સી પ્લાન’ની માહિતી મંગાઇ હતી અને ત્યારે તંત્ર દ્વારા જવાબ અપાયો હતો કે ‘હાલમા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી પાસે આ પ્લાન વિચારાધીન છે અને જ્યાં સુધી ચોમાસાની ઋતુમા કેમિકલ ઇમરજન્સીનો સંબંધ છે તે માટે કોઇ અલાયદો ઇમરજન્સી પ્લાન બનાવાયો નથી’આમ ૨૦૦૭ થી ૨૦૧૦ દરમિયાન કેમિકલ ઇમરજન્સી પ્લાન અંગે કોઇ કાર્યાવાહી જ કરાઇ નથી કે નથી તેના માટે કોઇ નિષ્ણાત અધિકારીઓની ટુકડી બનાવાઇ.