Thursday, June 05, 2025

માહિતી અધિકાર અધિનિયમના અમલમાં ક્રાંતિકારી પરિવર્તન:અરજદારને પાંચ પાનાની માહિતી વિનામૂલ્યે આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય, અમુક મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરી

Divya Bhaskar: Gandhinagar: Thursday, June 5, 2025.
ગુજરાત રાજ્ય સરકારે માહિતી અધિકાર અધિનિયમ-2005 (RTI Act)ના અમલમાં પારદર્શિતા અને જવાબદારીને વધુ સક્ષમ બનાવવા માટે મોટા પાયે ફેરફારો અમલમાં મૂક્યા છે. ગુજરાત માહિતી આયોગની ભલામણને અનુસરીને રાજ્ય સરકારે તારીખ 13-05-2025ના પરિપત્ર દ્વારા કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરી છે, જે સમગ્ર વહીવટીતંત્રની કાર્યપદ્ધતિમાં ઐતિહાસિક પરિવર્તન લાવશે.
  • સરકારી રેકર્ડને યથાયોગ્ય રીતે વર્ગીકૃત કરીને તેની અનુક્રમણિકા સાથે જાળવણી કરી તેને યોગ્ય રીતે વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવું.
  • 5 પાના સુધીની માહિતી વિનામૂલ્યે આપવી.
  • ઈ-મેઇલથી/ઓનલાઇન માહિતી માંગવામાં આવે ત્યારે ફોટો પાડીને માહિતી મોકલી આપવી, ત્યારબાદ તેને તે માહિતી ભૌતિક સ્વરૂપે મોકલી આપવાની રહેશે નહીં.
  • અરજદારને રેકર્ડના સ્વનિરીક્ષણ માટે બોલાવવામાં આવે ત્યારે માત્ર આપવાપાત્ર માહિતીનો ફોટો પાડવાની તથા પોર્ટેબલ સ્ટોરેઝ ડિવાઇસમાં લઇ જવાની મંજૂરી આપવી, પછી ત્યારબાદ તે માહિતીને ભૌતિક સ્વરૂપે મોકલી આપવાની રહેશે નહીં.
  • નમૂના-(ક)ની અરજી, જાહેર માહિતી અધિકારી દ્વારા રજૂ કરવામાં આવેલ વિગતો તથા પ્રથમ અપીલની વિગતો ધ્યાને લઇને પ્રથમ અપીલનો વિગતદર્શક હુકમ (Speaking Order) કરવામાં આવે તથા તે હુકમનું જાહેર માહિતી અધિકારી દ્વારા પાલન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા સર્વે પ્રથમ અપીલ અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે.
માહિતી અધિકાર અધિનિયમ-2005નો લોકોને લધુત્તમ ઉપયોગ કરવો પડે તે માટે, માહિતી અધિકાર અધિનિયમ-2005ની કલમ-4 (1)(ખ) માં જણાવેલ પ્રત્યેક જાહેરસત્તામંડળે સ્વયંપ્રસિદ્ધ કરવાની માહિતી પ્રોએકટીવ ડિસ્ક્લોઝર (PAD), સામાન્ય વહીવટ વિભાગના તા. 01-05-2009, તા. 17-07-2019ની સૂચનાઓ મુજબ અદ્યતન કરવા સર્વે જાહેર સત્તામંડળોને સૂચના આપવામાં આવેલ છે.
પ્રોએકટીવ ડિસ્ક્લોઝર (PAD), નાગરિકોને વિનામૂલ્યે અથવા ઠરાવવામાં આવે તે કિંમતે અથવા છપામણી ખર્ચની કિંમતે પૂરા પાડવા સૂચના આપવામાં આવેલ છે. આ માહિતીમાં અરજદારો દ્વારા વારંવાર માંગવામાં આવતી માહિતીનો પણ સમાવેશ કરવાનું જણાવવામાં આવેલ છે.
રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામ અને દબાણ સંદર્ભે કરેલ કાર્યવાહીના રેકર્ડ, આપવામાં આવતી વિવિધ પરમીટ, લાયસન્સ, પરવાનગી, અધિકૃતિઓની મંજૂરીની વિગતો સ્વયં પ્રસિદ્ધ કરવામાં આવે. આ ઉપરાંત, આ માટે નાગરિક / અરજદાર દ્વારા અરજી કરવામાં આવ્યા બાદ તેઓની અરજી પરત્વે થતી પ્રગતિથી નાગરિક વાકેફ રહી શકે તે હેતુસર, મંજૂરીના પ્રત્યેક તબક્કે નાગરિક/ અરજદારને મેસેજ/ ઇ-મેઇલથી આપોઆપ જાણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા અંગે સર્વે જાહેરસત્તામંડળોને સૂચના આપવામાં આવેલ છે.
આમા સૌથી મોટો સુધારો એ છે કે, હવે અરજદારને પાંચ પાનાની માહિતી વિનામૂલ્યે આપવામાં આવશે. સાથે સાથે ઈમેઇલ અથવા ઓનલાઈન માધ્યમથી માંગવામાં આવેલી માહિતીની ફોટોકૉપિ મોકલ્યા બાદ ભૌતિક રૂપે માહિતી આપવી જરૂરી રહેશે નહીં તેમજ રેકોર્ડના સ્વનિરીક્ષણ દરમિયાન અરજદારને પોર્ટેબલ સ્ટોરેજ ડિવાઇસમાં માહિતી લઈ જવાની છૂટ મળશે.
માહિતી અધિકાર હેઠળ જાહેરસત્તામંડળો હવે તેમની વેબસાઇટ પર નોંધનીય માહિતી જાહેર કરશે અને તેના પ્રોફેક્ટિવ ડિસ્ક્લોઝર (PAD)ને નિયમિત અપડેટ કરવા સૂચના આપવામાં આવી છે. નાગરિકોને અરજી કર્યા બાદ દરેક તબક્કે SMS/E-mail દ્વારા માહિતગાર કરવાની વ્યવસ્થાની પણ ભલામણ કરવામાં આવી છે. માહિતી અધિકાર અધિનિયમ 2005ના અમલમાં આમૂલ પરિવર્તન લાવતી ક્રાંતિકારી સૂચનાઓ પ્રસિદ્ધ કરવા માટે ગુજરાત માહિતી આયોગ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરે છે.
(પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો)