Saturday, April 20, 2024

ડાંગના અધિકારીઓ દ્વારા RTI નિયમનો થતો ખુલ્લેઆમ ભંગ. અરજદારે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરતા માહોલ ગરમાયો

ભાસ્કર ન્યૂઝ: સાપુતારા: Saturday, 20 April 2024.
સાપુતારા ડાંગ સેવા મંડળ, આહવા સંચાલિત (ગ્રાન્ટ ઇન એઈડ) છાત્રાલયોમાં ગૃહપતિ, ગૃહમાતા, મદદનીશ રસોઈયા અને ચોકીદારની ભરતીની જાહેરાત ન્યૂઝ પેપરમાં તા. 8મી ઓગસ્ટ 2023ના રોજ આપવામાં આવી હતી. આ ભરતીમાં ગેરરીતિ થયા હોવાની શંકા અરજદારને થતા અરજદારે સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ થતા તા. 18/12/2023 ના રોજ સંપૂર્ણ ભરતી પ્રક્રિયાને આવરી લે તેવા મુદ્દા નં 1થી 6 સુધીની માહિતી મળે તેવી માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ અરજી કરી હતી. ઉલ્લેખનીય છે કે, અરજદારે ડાંગ સેવા મંડળ આહવાએ કરેલી ભરતીની સંપૂર્ણ ભરતી પ્રક્રિયાની માહિતી અધિકાર અધિનિયમ2005ના કાયદા હેઠળ માંગવામાં આવી હતી પરંતુ 30 દિવસ પૂર્ણ થયા હોવા છતાં પણ મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, આહવા દ્વારા માહિતી આપવામાં આવી ન હતી. શું અધિકારીઓ સરકારના કાયદાથી પણ મોટા થઈ ગયા છે તેવા સવાલો અરજદાર સાથે ડાંગ જિલ્લાના નાગરિકોમાં ઉદભવી રહ્યા છે? અરજદારને માહિતી ન મળતા તેમણે તા.12/02/2024ના રોજ પ્રથમ અપીલ સમાજ કલ્યાણ અધિકારી ડાંગને કરી હતી ત્યારે પ્રથમ અપીલ સુનાવણીમાં અરજદારને અધૂરી અને ગેરમાર્ગે દોરે તેવી ભ્રામક માહિતી આપવામાં આવી હતી. અરજદારને સંતોષકારક માહિતી સાથે સંબંધિત અધિકારીઓના સંતોષકારક જવાબ ન મળતાં અધૂરી માહિતી અધિકારીઓ દ્વારા આપતા અરજદારે ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગરમાં ફરિયાદ કરતા ડાંગ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. તમામ અધિકારીઓમાં અરજદારે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ નોંધાવતા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. અત્રે ઉલ્લેખનીય છેકે, ડાંગ જિલ્લામાં ચાલતી ગોબાચારી અને ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે આરટીઆઇ એક્ટિવિસ્ટ દ્વારા અવારનવાર વિગતો માંગવામાં આવી રહી છે છતાં કાર્યવાહી થઇ નથી.