Friday, May 29, 2015

તાલાલામાં વાઈફાઈ અને સીસી ટીવી યોજનામાં મોટા ભ્રષ્ટાચારનો આક્ષેપ: નગરપાલિકાનાં મહિલા કાઉન્સિલરે માહિતી માંગતા ચકચાર.

Gujaratsamachar: Rajkot: Friday, 29 May 2015.
તાલાલા શહેરમાં વાઈફાઈ અને સીસી ટીવી કેમેરા માટેની યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો નગરપાલિકાનાં મહિલા કાઉન્સિલરે આક્ષેપ કરીને રૂ.૮૦ લાખનો ખર્ચ કરવા છતાં યોગ્ય પરિણામ નહીં મળવા પાછળનાં કારણો આપવા સહિતનાં મુદ્દે માહિતી અધિકાર હેઠળ અરજી કરીને વિગતો માંગતા ખળભળાટ મચી ગયો છે.
તાલાલા શહેરની પ્રજા માટે ઉપયોગી માહીતી આપવા ગીર સોમનાથ જીલ્લા કલેકટરને પાઠવેલા પત્રમાં મહીલા સદસ્યા રજીયાબેન મકવાણાએ જણાવ્યા પ્રમાણે તાલાલા શહેરમાં સી.સી.ટી.વી. કેમેરા લગાડવા તથા શહેરને વાઈ ફાઈથી સજ્જ કરવાની કામગીરી કઈ એજન્સી પાસે કરાવી છે. આ અંગે કેટલો ખર્ચ કરવામાં આવેલો છે. આ કામગીરીમાં કંઈ કંપનીના સાધનો વાપરવામાં આવેલા છે. તાલાલા નગરની કઈ કઈ શેરી મહોલ્લામાં કેમેરા તથા વાઈ ફાઈ ટાવરો ઉભા કરવામાં આવેલા છે, તેની માહિતી અધીકાર હેઠળ વિગતો મંગાઈ છે. આ ઉપરાંત તાલાલા નગરમાં છેલ્લા બે વર્ષ દરમ્યાન ઈલેકટ્રીક શાખા માટે કેટલો માલ સામાન આવેલો છે. તેમજ તેની કિંમત કેટલી ચુકવવામાં આવેલી છે અને માલ કઈ એજન્સી પાસે ખરીદવામાં આવેલો છે. છેલ્લા બે વર્ષમાં પાલીકામાં કેટલી ગ્રાન્ટ આવેલી છે, તેમાંથી કેટલી ગ્રાન્ટ વપરાયેલી છે. વપરાયેલી ગ્રાન્ટમાંથી કઈ કઈ કામગીરી કરવામાં આવેલી છે. અને આ કામગીરી કઈ એજન્સી પાસે કરવામાં આવેલી છે. આ ઉપરાંત તાલાલા ગીરમાં સ્વચ્છતા અભિયાન હેઠળ પાલીકામાં કેટલી ગ્રાન્ટ આવેલી છે અને ગ્રાન્ટમાંથી કામગીરી કયાં શેરી મહોલ્લામાં કરવામાં આવેલી છે, તેની સંપુર્ણ વિગતો માંગી છે.
વધુમાં જણાવ્યું છે કે, તાલાલા શહેરને વાઈ ફાઈ કરવા માટે સહેરનાં વિવિધ શેરી મહોલ્લામાં લગાવેલા સી.સી.ટી.વી. કેમેરા પાછળ રૂ.૮૦ લાખનો ખર્ચ પાલીકાએ કર્યો હોવાનું કહેવાઈ છે. આ ખર્ચ ખુબજ વધારે પ્રમાણમાં હોવાનાં આક્ષેપો થઈ રહ્યાં છે. ત્લાલા નગરમાં થયેલી આ કામગીરીનાં બીલની ચુકવણીમાં ભ્રષ્ટાચાર કરી ભાગબટાઈ કરવામાં આવી હોવાની છડેચોક ચર્ચાઓ થઈ રહી છે.
આ ઉપરાંત સી.ટી.ટી.વી. કેમેરા સહીતની કામગીરીમાં વાપરવામાં આવેલું મટીરીયલ્સ હલકી ગુણવત્તા વાળુ હોય ઘણી જગ્યાએ કેમેરા સહીતનાં સાધનો ગણત્રીનાં દીવસોમાં બળી ગયા હોવાનાં તથા શહેરનાં ઘણા સેરી મહોલ્લામાં કેમેરાઓ કે ટાવરો લગાવવામાં પણ આવેલા નથી તેવા ખુલ્લા આક્ષેપો સાથે વિગતો મંગાવાઈ છે.