Sunday, May 24, 2015

જમીન સુધારણામાં અધધ ૧.ર૩ કરોડનું કૌભાંડ અધિકારી અને ત્રણ કર્મચારી સામે વધુ બે ફરિયાદ

Sandesh: Porbandar: Sunday, May 24, 2015.
પોરબંદર જિલ્લામાં જમીન સુધારણા અને જમીન વિકાસના કામોમાં જે તે વખતના ચાર કર્મચારીઓએ રૂ.૧.ર૩ કરોડનું કૌભાંડ આચર્યું હોવાની હવે બે અલગ અલગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ભારે ચકચાર જાગી છે.આ અંગે રેવન્યુ વિભાગમાં જુદી જુદી ચર્ચાઓ ઉઠવા પામી છે.આ ચાર કર્મચારીઓમાંથી એક મૃત્યુ પામ્યો હોવાનું,એક નિવૃત અને બે બરતરફ થયા હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.
પોરબંદરમાં ગુજરાત રાજય જમીન વિકાસ નિગમ લી.ગાંધીનગરની ચાર અલગ અલગ યોજનાના કામો વર્ષ ર૦૦૬ થી ર૦૦૯ના સમયગાળા દરમિયાન થયા હતા.તેમાં તે વખતના ક્ષેત્ર મદદનીશ મુળ જાફરાબાદના ટીંબી ગામના તથા અત્યારે બરતરફ થયેલા ભુપેન્દ્રકુમાર વ્રજલાલ શુકલ,બીજા ક્ષેત્ર નિરીક્ષક મુળ મહેસાણાના બાલીસણાના તથા હાલ બરતરફ થયેલા જનક વિરમ દેસાઈ,ત્રીજા ઈન્ચાર્જ મદદનીશ નિયામક જમીન સંરક્ષણ કચેરી અને હાલ અમદાવાદમાં નિવૃત જીવન ગાળતા ઈશ્વરભાઈ હરગોવિંદભાઈ પ્રજાપતિ ઉપરાંત મુળ જૂનાગઢના તથા જે તે વખતે ક્ષેત્ર મદદનીશ તરીકે ફરજ બજાવતા અને હાલમાં જીવીત નથી તેવા મનસુખભાઈ ગોપાલભાઈ પરમાર સામે જમીન વિકાસ નિગમ અમરેલી સ્થિત કચેરીના ડે.ડાયરેકટર મોહનભાઈ ગોયાભાઈ વેગડાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પોરબંદર જિલ્લામાં માટીકામ થઈ શકે નહી તેવા વાહનોના રજીસ્ટ્રેશન નંબરો દર્શાવી બનાવટી વાઉચરો તૈયાર કરી, નાણાના ચુકવણા કરી જળ અને જમીન સંરક્ષણની વિવિધ કામગીરીમાં ગેરરીતિ કરી ચારેય શખ્સોએ એકબીજાને મદદગારી કરીને ખોટા બનાવના બીલો ઉભા કરી તથા તેના ખોટા કાલ્પનિક વાઉચરો બનાવી,ચેકના નાણા ખોટી રીતે ઉધારી કુલ રૂ.૮૮૧પરપ૮ ની ઉચાપત કરી કાવત્રાપૂર્વક સરકાર સાથે ગુનાઈત વિશ્વાસધાત અને છેતરપીંડી કરી હોવાની કલમ ૪૦૬,૪૦૯, ૪ર૦,૪૬૭, ૪૬૮, ૪૭૧ અને ૧ર૦ બી મુજબ ગુનો નોંધાતા કમલાબાગ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર કે.એ.મકવાણાએ વધુ તપાસ હાથ ધરી છે.
શું હતી યોજના ?
આ ચારેય શખ્સોએ જે યોજનામાંથી ઉચાપત કરી એ ચાર જેટલી યોજનાઓ હતી જેમાં સ્ટેટ લેવલ સ્કીમ હેઠળ ગામ તળાવ ઉંડા કરવા,સીમ તળાવ ઉંડા કરવા, ખેત તલાવડી, સીમ તલાવડી બનાવવી, નિર્મળ નીર યોજના અને ચેક ડેમ બનાવવાની રાજય સરકારની ચાર યોજનાઓ અંતર્ગત વિવિધ ખોટા બીલો બનાવી સરકારી નાણાની ઉચાપત કરી હતી.
શું હતું કૌભાંડ ?
આ ચારેય આરોપીઓએ જમીન અને તળાવોના ખોદકામમાં વપરાતા વાહનોના ખોટા બીલો બનાવ્યા હતા જેમાં જેસીબીના નંબરને બદલે મોપેડ અને સ્કુટર અને રિક્ષાના નંબરવાળા વાહનોના નામે બીલો બનાવ્યા હતા.આ વાહનો જેસીબી તરીકે બતાવ્યા હતા.
વધુ એક ફરિયાદ રાણાવાવમાં નોંધાઈ
આ જ મોડસ ઓપરેન્ડી અજમાવીને આ ચારેય શખ્સોમાં જનક દેસાઈ સિવાયના ત્રણ શખ્સોએ રાણાવાવના બાપોદર ગામે પણ કૌભાંડ આચર્યું હતું જેમાં ત્યાં પણ તેમની સામે રૂ.૩પ લાખની ઉચાપત અને સરકાર સાથે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે.અગાઉ બગવદર પોલીસમાં પણ આ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળે છે.જેમાં ભુપેન્દ્ર શુકલ અને જનક દેસાઈ તો બરતરફ પણ થયા હતા તેવું સરકારી સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
કઈ રીતે બહાર આવ્યું સમગ્ર કૌભાંડ ?
આ તમામ જમીન સુધારણાની વિવિધ કામગીરી માત્ર કાગળ પર જ થઈ હોવાનું કુતિયાણાના આરટીઆઈ એકટીવીસ્ટ અસલમ ખોખરના ધ્યાનમાં આવતા તેણે માહિતી અધિકાર હેઠળ આ કામોની વિગતો માગી હતી જેમાં માહિતી મળતા અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.આથી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી અને તપાસની માગ કરી હતી.જેમાં પ્રાથમિક તપાસ રાજકોટના જમીન સંરક્ષણના નાયબ નિયામકે કરી હતી.જેમાં તથ્ય જણાતા જવાબદારો સામે ખાતાકીય તપાસ શરૂ થઈ હતી.તપાસમાં ગેરરીતિ બહાર આવતા આજે ચારેય સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ર૦૧૩માં ૮૭ લાખની ઉચાપતની ફરિયાદ નોંધાઈ હતી
આ ચારેય શખ્સો સામે ર૦૧૩ના ડિસેમ્બર માસમાં પણ ૮૭ લાખની ઉચાપતની ફરિયાદ નોંધાઈ હતી. ચારેય શખ્સો સામે ર૦૧૩માં રાણાવાવના બોરીયા ગામે કાગળ પર તળાવ ઉંડા ઉતારવની કામગીરી કરી સરકારને ૮૭ લાખનો ચુનો ચોપડાયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી.જેમાં એમ.જી.પરમારનું મોત થયું હોઈ બાકીના ત્રણેય શખ્સોની ધરપકડ પણ થઈ હતી.બાદમાં જામીન પર છૂટી ગયા હતા.